માનવ જીવનમાં એક માત્ર લગ્ન જીવન જ એવો સંબંધ છે જેમાં છૂટાછેડાની જોગવાઇ કાયદાકીય રીતે થઇ રહી છે. આ સિવાય અન્ય કોઇપણ સંબંધમાં છૂટાછેડાનું વિચારી પણ ન શકાય તેવી પ્રાણાલી રહેલી છે. તાજેતરમાં જ અલાહાબાદ હાઇકોર્ટે એક પરિવારના છૂટાછેડા કેસમાં એવી ટિપ્પણી કરી હતી કે, લગ્ન સંબંધો હવે લાંબો સમય ટકતા નથી. આવી જ સ્થિતિ ગુજરાતમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં પણ જોવા મળી રહી છે. કારણ કે, અહીંયા પણ છેલ્લા 5 વર્ષથી છૂટાછેડાના કેસમાં ઉતરોતર સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં 2100થી વધુ છૂટાછેડાના કેસ નોંધાયા છે.
એક સમયે છૂટાછેડા શબ્દ સાંભળી લોકો અચરજ પામતા હતા, પરંતુ હવે આજના ઝડપી આધુનિક અને ટેક્નોલોજીના યુગમાં કદાચ આ શબ્દ સામાન્ય બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. સંસ્કૃતિને વરેલા સૌરાષ્ટ્ર પ્રાંતના પાટનગર રાજકોટ શહેર અને જિલ્લામાં આજે છૂટાછેડાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો કુલ 2102 છૂટાછેડા કેસ નોંધાયા છે અને તેમાં પણ વર્ષ 2023ની તુલનામાં વર્ષ 2024માં આશ્ચર્યજનક ત્રણ ગણો વધારો નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં વર્ષ 2020માં 253 કેસ, વર્ષ 2021માં 290 કેસ, વર્ષ 2022માં 334 કેસ, વર્ષ 2023માં 314 કેસ અને વર્ષ 2024માં 907 કેસ નોંધાયા છે.
ગ્રામ્ય વિસ્તારમાં છૂટાછેડાનું પ્રમાણ શહેરી વિસ્તાર કરતા ઓછું એક સમય એવો હતો કે શિક્ષણના અભાવે તેમજ અમુક ચોક્કસ જ્ઞાતિ સમાજમાં જ છૂટાછેડા કેસ નોંધાતા હતા, પરંતુ આજે તેનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હાયર કોલિફિકેશન એટલે કે સરકારી ખાનગી નોકરીમાં ઉચ્ચ સ્તરે કામ કરતા તેમજ સુવર્ણ જ્ઞાતિના લોકોમાં છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ છૂટાછેડાનું પ્રમાણ શહેરી વિસ્તાર કરતા ઓછું જ જોવા મળી રહ્યું છે. એટલે કે ત્યાં હજુ પણ સમાજ અને સંસ્કૃતિ મુજબ છૂટાછેડા શબ્દ સાંભળી લોકો અચરજ પામે છે.