રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં યોજાયેલા બે દિવસીય રવી કૃષિ મહોત્સવનો આશરે 15900થી વધુ ખેડૂતોએ લાભ લીધો છે. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના નેતૃત્વમાં યોજાયેલા આ મહોત્સવમાં બે દિવસમાં 177 ખેડૂતોને રૂપિયા એક કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. મહત્ત્વનું છે કે, બે દિવસમાં 5300થી વધુ મહિલાઓ પણ રવી કૃષિ મહોત્સવમાં જોડાઈ હતી અને રવી કૃષિ અંગેની અદ્યતન જાણકારી મેળવી હતી.
ખેડૂતોને રવી સિઝનમાં રવીપાકો વિશે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ અને માહિતી મળી રહે તે હેતુથી રાજકોટના તમામ 11 તાલુકામાં 6 તથા 7 ડિસેમ્બરના રોજ રવી કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
રવી કૃષિ મહોત્સવના પહેલા દિવસે તમામ તાલુકાઓમાં 2317 મહિલા તથા 5411 પુરુષ મળીને કુલ 7728 લોકો જોડાયા હતા. જ્યારે બીજા દિવસે 3033 મહિલા તથા 5196 પુરુષ મળીને કુલ 8229 લોકો જોડાયા હતા. બે દિવસમાં કુલ 5350 મહિલા તથા 10,607 પુરુષ મળીને કુલ 15,957 જેટલા લોકોએ રવી કૃષિ મહોત્સવમાં મહત્ત્વપૂર્ણ જાણકારી મેળવી હતી.બે દિવસ દરમિયાન તમામ તાલુકાઓમાં 200થી વધુ સ્ટોલ્સ રાખવામાં આવ્યા હતા. જેમાં કૃષિ, બાગાયત, આત્મા, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ વિભાગ, સેલ્ફ હેલ્પ ગ્રૂપ, પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શન, ડ્રોન ટેક્નોલોજી, સૂક્ષ્મ પિયત પદ્ધતિ, કિસાન ક્રેડિટ કાર્ડ, બીજ નિગમ, ફાર્મ મિકેનાઈજેશનના સ્ટોલ સહિતના સ્ટોલ પરથી ખેડૂતોને મહત્ત્વની જાણકારી પણ આપવામાં આવતી હતી. આ મહોત્સવ દરમિયાન ખેડૂતો માટે મોડેલ પ્રાકૃતિક ફાર્મની મુલાકાતો પણ ગોઠવવામાં આવી હતી. સૌથી વધુ ગોંડલ તાલુકાના ખેડૂતોએ આ મહોત્સવનો લાભ લીધો હતો.