રાજકોટ મનપાને 1500થી વધુ લોકોએ ઘેરી

રાજકોટના નાનામવા રોડ ઉપર આવેલા ભીમનગરના રહેવાસીઓએ આજે મનપા કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. 1500 કરતાં વધુ દલિત સમાજના લોકો જય ભીમના નારા સાથે દોડી આવ્યા હતા. એને લઈને કચેરીના બધા દરવાજા બંધ કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે દલિત સમાજના લોકોનો રોષ યથાવત્ રહ્યો હતો. તેમના સૂત્રોચ્ચાર લગભગ 30 મિનિટ સુધી ચાલુ રહ્યા હતા. એને પગલે મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈ જાતે તેમની વચ્ચે ગયા હતા અને આગેવાનોને મળીને સમગ્ર મામલે સ્થાનિકોનાં હિતને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લેવા ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, ભીમનગર વિસ્તારની જમીન PPP ધોરણે બિલ્ડરને સોંપવા માટે RMC દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં અંદાજિત રૂપિયા 700 કરોડની જગ્યા જે. પી. કન્ટ્રક્શન બિલ્ડરને સોંપવા કવાયતત્ શરૂ કરવામાં આવી છે. માત્ર રૂ. 103 કરોડના પ્રીમિયમમાં જમીન આપવા લેન્ડ ડિસ્પોઝલ કમિટીને રિપોર્ટ કરાયો હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકોને લઈ પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર કોર્પોરેશન કચેરીએ પહોંચ્યા હતા. RMC કચેરીમાં ‘જય ભીમ’ના નારા ગુંજ્યા હતાં. મહિલાઓ છાજિયાં લેતી-લેતી મોટી સંખ્યામાં આવતાં કચેરીના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *