નડિયાદ તાલુકાના હાથજ ગામમાં ગેરકાયદે વ્યાજખોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 68 વર્ષીય દરીયાવખાન ખોખરે વર્ષ 2021માં યાસીનખાન ઉર્ફે ગની પઠાણ પાસેથી 10 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા.
દરીયાવખાને મે 2024માં મુદ્દલ સાથે 15 હજાર રૂપિયા પરત કરવા જતાં વ્યાજખોરે 20 ટકા લેખે વ્યાજની માંગણી કરી. યાસીનખાને કુલ 2.78 લાખ રૂપિયાની માગણી કરી હતી. વૃદ્ધની વિનંતી બાદ રકમ 1.50 લાખ સુધી ઘટાડી.
દરીયાવખાને આ રકમ પણ ઘટાડવાની વિનંતી કરતાં વ્યાજખોરે ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી. તપાસમાં બહાર આવ્યું કે યાસીનખાન પાસે નાણાં ધીરધારનું લાયસન્સ પણ નથી.
દરીયાવખાને નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.