આગામી સાત દિવસ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 મે બાદ રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થશે, ત્યારે સોમવારે રાજ્યના 15 જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
રાજકોટમાં સોમવારે સવારે ન્યૂનતમ તાપમાન 29.8 ડિગ્રી સાથે હવામાં ભેજનું પ્રમાણ 75 ટકા અને પવનની ગતિ સરેરાશ 10 કિ.મી.નોંધાઈ હતી. જ્યારે મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં 20 મેના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે 21 મે બાદ રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નિષ્ણાત જણાવે છે કે, ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પહોંચે તે પહેલાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થવાની પૂરી સંભાવનાઓ છે. હાલ અરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે, તે સિસ્ટમ વધુ મજબૂત પણ બનશે, અને તે સિસ્ટમ ડિપ્રેશન અથવા વાવાઝોડા સુધી પણ પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.