MLAની ભલામણ બાદ ભાજપના નેતાને ડિપોઝિટ પરત આપવા નિર્ણય

રાજકોટના રેસકોર્સના મેદાનમાં યોજાનાર લોકમેળામાં એસઓપીનું પાલન કરવાની ખાતરી આપી યાંત્રિક રાઇડ્સના તમામ પ્લોટ હરાજીમાં ભાડે રાખનાર ભાજપના અગ્રણી કાર્યકરે બાદમાં એસઓપીનો ઉલાળિયો કરતાં મામલો હાઇકોર્ટમાં ગયો હતો અને લોકમેળો રદ થયા બાદ પણ હાઇકોર્ટ કેસના કારણે તેમની ડિપોઝિટ પરત મળી ન હતી. જે હવે ધારાસભ્યો અને મંત્રીઓની ભલામણ બાદ 3 મહિને ભાજપના કાર્યકર દશરથ વાળાને ડિપોઝિટ પરત આપવા જિલ્લા કલેક્ટરે નિર્ણય કર્યો છે.

લોકમેળામાં યાંત્રિક રાઇડ્સ મુદ્દે નવી એસઓપીના પાલન મુદ્દે લાંબો વિવાદ ચાલ્યા બાદ ખાનગી મેળાના સંચાલક એવા દશરથ વાળા અને તેના ભાગીદાર વિરેન્દ્રસિંહ ગોહિલે તમામ રાઇડ્સ રૂ.1.27 કરોડની બોલી લગાવી રાખી લીધી હતી જેમાં એસઓપીનું પાલન ન કરતાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રે રાઇડ્સ ચલાવવા મંજૂરી આપી ન હતી. આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. બીજીબાજુ ભારે વરસાદને કારણે લોકમેળો રદ કરાયો હતો અને સ્ટોલધારકોને ડિપોઝિટની રકમ તંત્રે પરત કરી દીધી હતી. જ્યારે હાઇકોર્ટ કેસના કારણે રાઇડ્સ સંચાલકોનો તંત્રે નિર્ણય લીધો ન હતો. દરમિયાનમાં આ મુદ્દે દશરથ વાળાએ ડિપોઝિટ પરત માટે ધારાસભ્ય અને મંત્રીની પણ ભલામણ કરાવી હતી. ત્યારે જિલ્લા કલેક્ટરે કેસ પરત ખેંચી લ્યે ત્યારબાદ હકારાત્મક નિર્ણયની ખાતરી આપી હતી. બાદમાં કેસ પાછો ખેંચાઇ જતા હવે રૂ.9 લાખ સિક્યોરિટી ડિપોઝિટના કાપી લઇ બાકીની ડિપોઝિટ પરત આપવા પ્રાંત અધિકારીને સૂચના આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *