અમિત ખૂંટ આપઘાતકેસમાં સગીરાનું જજ સમક્ષ નિવેદન

રાજકોટના યુવાન અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે, જેમાં દુષ્કર્મનો ભોગ બનનારી સગીરા દ્વારા આજે(9 જૂન) કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ જાડેજા તેમજ DYSP કે.જી.ઝાલા, પીઆઇ પરમાર વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા છે. સગીરાએ કોર્ટ સમક્ષ નિવેદન આપતાં જણાવ્યું હતું કે અમિત ખૂંટ દ્વારા તેના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને પછી પોતે આપઘાત કરી લીધો છે અને તેની પાસેથી મળેલી સુસાઇડ નોટમાં લગાવવામાં આવેલા હનીટ્રેપના આરોપ તદ્દન ખોટા છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના માણસો દ્વારા મને 6 લોકોનાં નામ આપી દેવા માટે કહેવામાં આવ્યું હતું, જોકે અનિરુદ્ધસિંહ કે રાજદીપસિંહ જાડેજાને હું ઓળખતી પણ નથી. આજે મારી અને મારા પરિવારની જાનને જોખમ છે, અમને સુરક્ષા મળે એવી મારી માગ છે. મેં સમગ્ર હકીકત આજે કોર્ટ સમક્ષ જણાવી છે.

3 મેના રોજ રાજકોટ શહેરમાં મોડેલિંગક્ષેત્રે કાર્યરત 17 વર્ષીય સગીરાએ અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ 5 મે, 2025એ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂંટે રીબડા ગામમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાસ્થળેથી મૃતકની સુસાઈડ નોટ મળી હતી, જેમાં તેણે લખ્યું છે કે મને મારવા પાછળ અનિરુદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી હતી. ઉલ્લેખનીય છે કે મૃતક અમિત ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હતો.

આ મામલે અનિરુદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ અનિરુદ્ધસિંહે એક વીડિયો રિલીઝ કરી કહ્યું હતું કે આ જયરાજસિંહનું કાવતરું છે. આ પહેલાં 3 મેના રોજ સગીરાએ આરોપ લગાવ્યો હતો કે અમિત ખૂંટે તેને કેફી પીણું પીવડાવ્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *