ગુજરાતનાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા આજે રાજકોટ જિલ્લાની મુલાકાતે છે ત્યારે વિંછીયા તાલુકાના સનાળા ગામે 33.76 લાખનાં ખર્ચે બનનારા નવા ચેકડેમનું ખાતમુર્હૂત તેઓએ કર્યું હતુ. સ્થાનિક વોંકળા ઉપર પાણીના સંગ્રહ માટે નવો ચેકડેમ બન્યા બાદ આસપાસની 20 હેક્ટર જમીનને સિંચાઈનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ મળશે. આ તકે સરકાર વીંછીયા પંથકને પાણીદાર બનાવવા માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી બાવળીયાએ જરૂર પડ્યે ચેકડેમ સૌની યોજના દ્વારા ભરવાની ખાતરી આપી હતી.
મંત્રી કુંવરજી બાવળીયાએ આ ચેકડેમ માટે ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું કે, આ પંથકને પાણીદાર બનાવવા સરકાર કટિબદ્ધ છે. ખેડૂતો સમૃદ્ધ થાય, ગ્રામજનોની સુખાકારીમાં વધારો થાય તે માટે રાજ્ય સરકારની અનેક લોક કલ્યાણલક્ષી યોજનાઓ કાર્યરત છે. રસ્તાઓ, શિક્ષણ, પીવાનું અને સિંચાઈનું પૂરતું પાણી, આરોગ્ય સહિતના ક્ષેત્રે નાગરિકોની સુખાકારી વધારવા આયોજનબદ્ધ કામગીરી થઈ રહી છે. ચેકડેમની કામગીરી પૂર્ણ થયે ગામના 100 જેટલા ખેડૂતોની 10 હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે. આ ડેમમાંથી પાણી ખાલી થયા બાદ જરૂર પડ્યે સૌની યોજનામાંથી ચેકડેમ ભરાય એવી વ્યવસ્થા કરાઈ છે, જેથી ખેડૂતોને સિંચાઈનો પૂરતો લાભ મળી રહેશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ઉપરાંત, ગામના કુવા, બોર વગેરે રીચાર્જ કરવા સુજલામ સુફલામ જળસંચય યોજનાનો લાભ લેવા સિંચાઈ વિભાગનો સંપર્ક કરવાનો રહેશે. સિંચાઈ વિભાગનાં અધિક્ષક ઇજનેર પી. આર. ગૌસ્વામીએ ચેકડેમની જાણકારી આપતા જણાવ્યું હતું કે, ગામમાંથી પસાર થતા સ્થાનિક વોંકળા ઉપર આશરે 24 મીટરજી લંબાઇમાં કોંક્રિટનો ચેકડેમ બાંધવાથી કુલ કેચમેન્ટ એરીયા 11.85 ચો.કિ.મી. જેટલો રહેશે તેમજ ઉપરવાસમાં આશરે 400 મીટર જેટલો પાણીનો ભરાવો થતા 70 લાખ લિટર પાણીનો સંગ્રહ થશે. આ ઉપરાંત કૂવાઓ ચાર્જ થશે અને જમીનમાં પાણીના તળ ઉંચા આવશે.