ગોંડલ તાલુકાના ગોમટા ગામે ભાદર નદી કિનારે ચેકડેમ પાસે દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં લોખંડ અને પ્લાસ્ટિકના ટીપણા તેમજ વૃક્ષોની આડમાં છુપાવેલા પ્લાસ્ટિકના બેરલ સ્પષ્ટ દેખાય છે.
આ મામલે 27 ફેબ્રુઆરીએ ગોંડલ તાલુકા કોંગ્રેસે પોલીસને લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે તાલુકાના ગામડાઓમાં દેશી અને વિદેશી દારૂનું મોટા પાયે ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે.
કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે પોલીસ કર્મચારીઓ નાણાકીય લાભ મેળવીને આ ગેરકાયદેસર ધંધાને છાવરી રહ્યા છે. દારૂના અડ્ડાઓના સ્થળો જાણવા છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. કોંગ્રેસે આવા અડ્ડાઓની માહિતી આપવાની તૈયારી બતાવી છે.
ગોંડલ વિસ્તારમાં ઔદ્યોગિક ક્ષેત્રો અને ગામડાઓમાં દેશી દારૂનું ઉત્પાદન અને વેચાણ જાહેરમાં થઈ રહ્યું છે. આ સમગ્ર પ્રકરણ રાજકોટ જિલ્લા પોલીસ, સ્થાનિક પોલીસ અને સર્વેલન્સ સ્ટાફની કાર્યક્ષમતા પર સવાલો ઉભા કરે છે. હવે વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કાર્યવાહી કરે છે કે પછી ભઠ્ઠી ચલાવનારાઓને આગોતરી જાણ કરી દેવાય છે, તે જોવાનું રહ્યું છે.