શહેરના જામનગર રોડ પરની ગાંધી સોસાયટીમાં રહેતા વ્હોરા વેપારી અને તેમના પત્ની વિયેતનામ ફરવા ગયા હતા ત્યારે તેમના બંધ મકાનમાં ખાબકી તસ્કરો સોનાના દાગીના, રોકડ અને વિદેશી ચલણ સહિત લાખોનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા, શહેર પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને મહારાષ્ટ્રના કુખ્યાત તસ્કર અને કર્ણાટકની તેની પરિણીત પ્રેમિકાને પોલીસે ઝડપી લઇ ચોરીની તમામ વસ્તુ સહિત કુલ રૂ.17,55,900નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, વ્હોરા વેપારીના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી, દરમિયાન આ ચોરીમાં સંડોવાયેલો પરપ્રાંતીય શખ્સ માધાપર ચોકડીથી મોરબી બાયપાસ તરફ હોવાની માહિતી મળતાં એલસીબી-2ના પીએસઆઇ એચ.આર.ઝાલા સહિતની ટીમ દોડી ગઇ હતી અને સકંજામાં લઇ પૂછપરછ કરતાં તે શખ્સે પોતાનું નામ કોલ્હાપુરના હલકરણી ગામનો અજીત શિવરાય ધનગર (ઉ.વ.34) હોવાનું કબૂલ્યું હતું, પોલીસને તેની પાસેથી સોનાના દાગીના, રોકડા રૂ.32,900 તથાં 92 હજારના વિદેશી ચલણ સહિત કુલ રૂ.17,55,900નો મુદ્દામાલ મળી આવ્યો હતો, શરૂઆતમાં તો અજીત ધનગરે તમામ મુદ્દામાલ પોતાનો હોવાનો દાવો કર્યો પરંતુ આગવીઢબની પૂછપરછમાં તેણે સમગ્ર મુદ્દામાલ ગાંધીવસાહત સોસાયટીમાં કરેલી ચોરીનો હોવાનું કબૂલ્યું હતું, અજીતે એવી પણ કબૂલાત આપી હતી કે, તેની સાથે તેની પ્રેમિકા કર્ણાટકની નિગંમ્મા ટીપ્પન્ના એમેટી (ઉ.વ.30) પણ સંડોવાયેલી છે અને તે હાલમાં બસ સ્ટેશન પાસેના ગેસ્ટહાઉમાં છે. પોલીસની એક ટીમે ગેસ્ટહાઉસે જઇ નિગંમ્માને પણ ઉઠાવી લીધી હતી. અજીત ધનગરે એવી પણ કબૂલાત આપી કે, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં તેની સામે અગાઉ ચોરીના 28 ગુના નોંધાઇ ચુક્યા છે, રાજકોટમાં દિવસે રિક્ષા ભાડે કરતા અને અલગ અલગ સોસાયટીમાં ફરતા અને બંધ મકાનની રેકી કરતા, મકાન બંધ હોવાની જાણ થયા બાદ અજીત અને પ્રેમિકા ગેસ્ટહાઉસે જતા રહેતા અને રાત્રે અજીત ચોરી કરવા જતો હતો, જ્યારે નિગંમ્મા ગેસ્ટહાઉસમાં જ રહેતી હતી. મોટો મુદ્દામાલ હાથ આવ્યો પરંતુ સલામત સ્થળે પહોંચે તે પહેલા પકડાઇ ગયા. રાજકોટમાં એક મંદિરની તિજોરી પણ તોડી રૂ.200ની ચોરી કબૂલી હતી.