શહેરમાં ગોંડલ રોડ પાસે આવેલા રામનગરમાં રાજેશભાઇ નાથાલાલ રૂપાણી (ઉ.55) એ પોતાના ઘેર પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બહારથી ઘેર આવેલા પરિવારે આધેડને લટકતાં જોઇ દેકારો કરતા પાડોશના લોકો એકઠા થઇ ગયા હતા. બનાવ અંગે જાણ થતા 108ની ટીમના તબીબે પહોંચી આધેડને મૃત જાહેર કરતાં માલવિયાનગર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી અને તપાસ હાથ ધરી હતી.
આધેડના આપઘાતના આ બનાવ અંગે પોલીસની તપાસમાં મૃતક ચાર ભાઇ અને બે બહેનોમાં નાના હતા અને કડિયાકામની મજૂરી કરતાં હોવાનું પરિવારે જણાવ્યું હતું.
બનાવમાં પોલીસે કરેલી વધુ પૂછતાછમાં કેટલાક સમયથી રાજેશભાઇ રૂપાણીને માનસિક બીમારી હોય અને તેની બીમારીની સારવાર પણ ચાલુ હોવા છતાં તેમને સારું ન થતા આપઘાતનું આ પગલું ભરી લીધાનું તેમના પરિવારે જણાવતા પોલીસે આ અંગે વધુ કાર્યવાહી કરી છે.