શહેરમાં કેનાલ રોડ નજીક લલૂડી વોંકળીમાં રહેતા આધેડે બીમારીથી કંટાળી ઝેર પી આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે ભક્તિનગર પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લલૂડી વોંકળીમાં રહેતા રાજુભાઇ લાલજીભાઇ ગોહેલ (ઉ.55) એ પોતાના ઘેર ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકના જમાદાર ગોહિલ સહિતે તપાસ હાથ ધરી હતી.
પોલીસની તપાસમાં આધેડ અપરિણીત હતા અને એકલવાયું જીવન જીવતા હતા. તેમજ તે છૂટક મજૂરીકામ કરતાં અને છેલ્લા બે વર્ષથી કેન્સર, કિડની અને મગજની બીમારી હોય અને સારવાર પણ ચાલુ હોવા છતાં સારું ન થતાં બીમારીથી કંટાળી આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.