રાજકોટના કાલાવડ રોડ પર વૃંદાવન સોસાયટી સામે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની માટેની એમ.જી.હોસ્ટેલનું રૂ.24 કરોડના ખર્ચે વિસ્તૃતિકરણ અને આધુનિકરણ કરવાની તૈયારી શરૂ કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા બજેટ ફાળવ્યા બાદ હવે આ હોસ્ટેલની ક્ષમતા 300 પરથી વધારીને 550 વિદ્યાર્થીની કરવાની તૈયારી તંત્રે શરૂ કરી છે.
રાજકોટ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એચ.આર.રાઠોડે જણાવ્યું હતું કે, કાલાવડ રોડ પર આવેલી એમ.જી.હોસ્ટેલમાં અનુસૂચિત જાતિના ધો.11થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરતા બહારગામના વિદ્યાર્થીઓને રહેવા-જમવા સહિતની સુવિધા પૂરી પાડવામાં આવે છે. હાલમાં રાજકોટમાં બહારગામથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી હોય રાજ્ય સરકારે અન્ય જિલ્લાઓની જેમ રાજકોટની એમ.જી.હોસ્ટેલ પણ આધુનિક અને વધુ સંખ્યા સમાવી શકાય તે પ્રકારની બનાવવાની લીલીઝંડી આપી છે અને તેના માટે રૂ.24 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
એમ.જી. હોસ્ટેલના નવા બિલ્ડિંગની ડિઝાઇન અન્ય જિલ્લાની હોસ્ટેલમાંથી લેવામાં આવનાર છે. હાલમાં આ હોસ્ટેલની ક્ષમતા 300 વિદ્યાર્થીની છે. નવા બિલ્ડિંગ બની ગયા બાદ 550 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે. બિલ્ડિંગની ડિઝાઈન અને ટેન્ડર સહિતની કામગીરી માર્ગ અને મકાન વિભાગને સોંપાય છે.