રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈ-વેના રૂ.1204 કરોડના ખર્ચે 67 કિલોમીટરનું કામ છેલ્લા બે 20 મહિનાથી ચાલી રહ્યું છે, જેના લીધે રાજકોટ સહિત સૌરાષ્ટ્રથી જેતપુર અવર-જવર કરતા અઢી લાખથી વધુ લોકો પરેશાન થઈ રહ્યાં છે. સપ્ટેમ્બર 2022માં આ માર્ગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને બે વર્ષ એટલે કે, સપ્ટેમ્બર 2025માં 67 કિમીના માર્ગનું સંપૂર્ણ કામ પૂર્ણ કરવાનું હતું, જેની જગ્યાએ માત્ર 20 કિમીનું જ કામ થયું છે. કામગીરી સમયસર પૂર્ણ કરાવવાની જગ્યાએ તંત્ર દ્વારા સમય અવધી વધારી જૂન, 2026 કરી દેવામાં આવી છે. હાલમાં વરસાદને કારણે રાજકોટ-જેતપુર હાઈવે પર ખાડા પડી જતાં ભારે ટ્રાફિકજામ સર્જાય રહ્યો છે. આ સાથે બિસ્માર રસ્તાથી અકસ્માતો પણ વધી રહ્યાં છે.
અહીંથી દરરોજ પસાર થતા અંદાજે અઢી લાખ લોકોની સમસ્યાને લઈને આજે (8 જુલાઈ) કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં જનહિત હાઇવે હક્ક આંદોલન સમિતિ દ્વારા કલેકટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. હાથ અને માથામાં પાટા બાંધી ‘ભાજપ સરકાર ચોર છે’, ‘રોડ નહિ તો ટોલ નહિ’ના નારા સાથે રેલી યોજી કોંગ્રેસ કાર્યકર્તાઓ કલેકટર કચેરીએ પહોંચ્યાં હતા. કેન્દ્રીય વાહન-વ્યવહાર મંત્રી નીતિન ગડકરીના પોસ્ટર બતાવવામાં આવ્યું હતુ, જેમાં ગડકરીના સ્થાને ગડ્ડા-કરી લખવામાં આવ્યું હતુ. તમામ લોકોની એક જ માંગ છે કે, પહેલા આપો રોડ અને પછી માગો ટોલ.