રાજકોટ મહાનગરપાલિકામાં રૂ.10 લાખથી વધુના કામ માટે ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત હોય છે ત્યારે મનપાના પદાધિકારીઓએ રૂ.1.90 કરોડના ખર્ચે ચૂંટણીમાં લાભ મળે તે માટે પાર્ટીની વાહ-વાહી કરાવતા 1.60 લાખ કેલેન્ડર ટેન્ડર પ્રક્રિયા વગર છપાવી નાખ્યાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો અને હવે આ કેલેન્ડરના બિલ મંજૂરીમાં વિવાદના મંડાણ થયાનું ભીતરમાંથી જાણવા મળ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે પ્રિન્ટિંગ અને સ્ટેશનરી ખર્ચ માટે રૂ.1.40 કરોડ ફાળવવામાં આવ્યા હતા અને તેમાંથી રૂ.13 લાખ વપરાયા વગરના પડયા રહ્યા હોવા છતાં આ વર્ષે બજેટમાં પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી ખર્ચ માટે રૂ.3.30 કરોડની જોગવાઇ કરાઇ છે જેના પગલે ટેન્ડર પ્રક્રિયા વગર કેલેન્ડર છપાવવામાં મોટું કારસ્તાન આચરાયાનું બહાર આવ્યું છે.
ફેબ્રુઆરી-2026માં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર હોય ત્યારે શાસકોએ પાર્ટીની વાહ-વાહી માટે જાન્યુઆરી માસના 25 દિવસ બાદ કેલેન્ડર પ્રસિદ્ધ કર્યા હતા અને તેના માટે શાસકોના દબાણથી અધિકારીઓએ બે વર્ષના પ્રિન્ટિંગના કોન્ટ્રાક્ટને મિકસ કરીને કેલેન્ડર કૌભાંડ આચર્યાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો. 1.60 લાખ કેલેન્ડર પાછળ કરાયેલા રૂ.1,89,91,806ના ખર્ચે વિપક્ષ જ નહી પરંતુ શાસકપક્ષના પણ અનેક નગરસેવકોની આંખો પહોળી કરી દીધી હતી અને અમુક નગરસેવકોએ તેનો અંદરખાને વિરોધ પણ નોંધાવ્યો હતો. તેમજ કેલેન્ડર સ્વીકારવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. જેના પગલે હવે આ ખર્ચ મંજૂરીનો ઇસ્યુ ઉભો થયો છે અને કેલેન્ડર આવી ગયાના દોઢ માસ કરતા વધુ સમય વીતી જવા છતાં તે છાપનાર મેગા સ્ટાર કોર્પેોરેશનને બિલની રકમ ન મળ્યાનું જાણવા મળે છે. એકાઉન્ટ વિભાગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં બિલ ખર્ચ મંજૂરીમાં છે. જેમાં મ્યુનિસિપલ કમિશનરની સહી થયા બાદ એજન્સીને તેનું બિલ ચૂકવવામાં આવશે ત્યારે હાલના તબક્કે ટેન્ડર વગર અપાયેલા આવડા મોટા કોન્ટ્રાક્ટનું બિલ મંજૂર થાય તો વિવાદ સર્જાય તેવી પૂરતી શક્યતા છે.