નેશનલ મેડિકલ કમિશને દેશભરની મેડિકલ કોલેજોને 28મી માર્ચ સુધીમાં વાર્ષિક અહેવાલ મોકલવા માટે સૂચના આપી હતી, પરંતુ કેટલીક મેડિકલ કોલેજોએ આ સૂચનાને ગંભીરતાથી નહીં લેતા વાર્ષિક અહેવાલ મોકલ્યા ન હતા. હવે એનએમસીએ વાર્ષિક અહેવાલ મોકલવાની મુદત 10 એપ્રિલ સુધી વધારી છે, પરંતુ મેડિકલ કોલેજોએ હવે રૂ.50 હજારની પેનલ્ટી ભરવી પડશે.
એનએમસીએ જાહેર કરેલા સર્ક્યુલરમાં જણાવ્યું છે કે, એવું જોવા મળ્યું છે કે NMC વેબસાઇટ દ્વારા ચાર વખત સૂચનાઓ આપવામાં આવી છતાં, કેટલીક મેડિકલ કોલેજોએ પોર્ટલ પર વાર્ષિક અહેવાલ ભરવાનો બાકી છે.
સામાન્ય રીતે કમિશન દ્વારા દર વર્ષે આ પ્રકારની સૂચના કોલેજોને આપવામાં આવતી હોય છે. મોટાભાગની કોલેજો નિર્ધારિત સમયમાં આ કાર્યવાહી પૂર્ણ કરી દેતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે કમિશન દ્વારા સળંગ 4 નોટિસ ઇસ્યૂ કરવા છતાં મોટાભાગની કોલેજોએ હજુ સુધી વાર્ષિક અહેવાલ સબમિટ કર્યા નથી. કોલેજ સંચાલકોના આ પ્રકારના વલણની ગંભીર નોંધ લઇને હવે કમિશન દ્વારા નવેસરથી નોટિસ જાહેર કરવામાં આવી છે જેમાં 10મી એપ્રિલ સુધીમાં બાકી રહેલી દરેક કોલેજોએ પોતાના વાર્ષિક અહેવાલ સુપરત કરી દેવાના રહેશે. તેમ છતાં પણ અહેવાલ નહીં મોકલે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.