રાજકોટના નાનામવા રોડ પર આવેલા મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ લિ.એ ડિમેટ એકાઉન્ટ ખોલાવનાર ખાતાધારક સામે એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જિસની રકમ વસૂલવા દીવાની દાવો કર્યો હતો જે દાવો સિવિલ કોર્ટે ડિસમિસ કર્યા બાદ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં કરેલી અપીલ પણ અદાલતે ફગાવી દીધી હતી.
આ કેસની વિગત એવી છે કે, મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ લિ.માં શેરબજારના ટ્રેડિંગ માટે રિસપોન્ડન્ટ અજય ઉમરશીભાઇ શાહે ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને કંપની સાથે લેખિત એગ્રીમેન્ટ કરી એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જિસ ચૂકવવા ખાતરી આપી હતી. આમાં કસૂર કર્યે લેણી રકમ ઉપર 18 ટકા વ્યાજ મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ લિ.ને ચૂકવવાનું એગ્રીમેન્ટમાં ઉલ્લેખ કર્યો હતો.
મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ લિ. દ્વારા અજય શાહ વિરુદ્ધ લેણી રકમ વ્યાજ સાથે વસૂલવા સ્મોલ કોઝ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો જે દાવો તા.09-10-2023ના રોજ સિવિલ કોર્ટે ડિસમિસ કર્યો હતો. આથી મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ લિ.એ રાજકોટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં અજય શાહ પાસેથી રૂ.22758 લેણી રકમ વસૂલવા રેગ્યુલર સિવિલ અપીલ દાખલ કરી હતી.