ધોરાજીના નાની પરબડી ગામે કારખાનાની કુંડીની સાફસફાઇ દરમિયાન માનવ ખોપરી મળતાં તેને ફોરેન્સિક પીએમ માટે મોકલી અપાયું હતું અને તેમાં તે કંકાલ મહિલાનું હોવાનું અને 6 મહિના પહેલાં તેનું મોત નીપજાવ્યાનું સામે આવતાં પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી અને યુપીની પરિણીતાની હત્યા ગૃહકંકાસના પગલે તેના પતિ અને દીયરે જ કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે યુપીના ઇટાવા જઇ બન્ને આરોપીની ધરપકડ કરી આજે ધોરાજી કોર્ટમાં રિમાન્ડની માગણી સાથે રજૂ કર્યા હતા અને અદાલતે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ અંગેની વધુ તપાસ સીપીઆઇ હેરમા ચલાવી રહ્યા છે. ધોરાજીના નાની પરબડી ગામે સાંકડી રોડ પર આવેલા કારખાનામાં સાફ સફાઇ દરમ્યાન ખોપરી મળી આવતાં પોલીસ સતર્ક બની હતી અને આ લાશ કારખાનામાં જ અગાઉ નોકરી કરતા વિપીન યાદવની પત્ની રેશમાદેવી ઉર્ફે સાયરા ઉર્ફે શાંતિનું હોવાનું સામે આવતાં પોલીસે પુરાવા એકઠા કર્યા હતા અને શંકાના આધારે રેશમાના પતિ વિપીન તેમજ તેનો ભાઇ સાૈરભસિંઘને ઇટાવાના ભરથાના તાલુકાના નગલાદયા ગામેથી ઝડપી લીધા હતા. વિપીને જણાવ્યું હતું કે રેશમા સાથે મારે અને ભાઇને કાયમ માથાકૂટ થતી રહેતી હતી. આથી જ્યારે અમારો પુત્ર આરુષ શાળાએ ગયો ત્યારે રેશમાને ચુંદડીથી ગળા ટૂંપો દઇ દીધો હતો અને તેમાં સૌરભસિંઘે મદદગારી કરી હતી. બાદમાં કુંડીમાં લાશને ફેંકી માટીનું પુરાણ કરી દઇ બન્ને વતન નાસી ગયા હતા. પોલીસે આરોપીઓ વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ 302,201,120(બી) મુજ્બ ગૂનો નોંધી ને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાની પરબડીમાં પત્નીની હત્યા કરનાર આરોપીનો પિતા ઉતર પ્રદેશનો નિવૃત પોલીસ કર્મચારી છે તેમજ મૃતક મહિલા રેશમાને સાત વર્ષનો એક દિકરો આરૂષ છે જેણે અકાળે માતાનું છત્ર ગુમાવ્યું છે અને હવે હત્યાનો ગુનો સાબીત થતાં પિતા જેલમાં જશે.