રાજકોટમાં ગઇકાલે રાત્રે સેન્ટ્રલ ઝોન અને ઈસ્ટ ઝોનમાં દોઢ-દોઢ તથા વેસ્ટ ઝોનમાં એક ઇંચ વરસાદ પડયો હતો. પરંતુ કડાકા ભડાકા સાથેની વીજળી અને મીની વાવાઝોડાના કારણે અનેક સ્થળોએ કેટલાક વૃક્ષ અને મોટી સંખ્યામાં ઝાડની ડાળીઓ પડી ગઇ હતી. વીજ પોલ પણ ધરાશાયી થવા સહિતની 134 જેટલી આવી ઘટના બન્યાનું બંને તંત્રમાંથી જાણવા મળ્યું છે. ગઇકાલે રાત્રે ફાયર તંત્ર ખડેપગે બન્યું હતું અને વૃક્ષની ડાળીઓ અને વૃક્ષો હટાવવા કામગીરી કરી હતી. પીજીવીસીએલ દ્વારા પણ વીજ પોલ ઉભા કરવા અને વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવા તડામાર કામ હાથ ધરાયું હતું. ગઈકાલે વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં વેલકમ નવરાત્રી કાર્યક્રમ ચાલુ હતો, ત્યારે વાવાઝોડાથી અચાનક મંડપ ઉડી જતા દોડાદોડી થઇ હતી. જોકે સદનસીબે કોઇ જાનહાની થઈ નહોતી.