ગોંડલમાં ભોજપરા ચોકડી પાસે પાન-ફાકીની દુકાનમાંથી કુલર, સિગરેટ અને રોકડ મળી કુલ રૂ.8500 ની મતાની ચોરી કરી તસ્કર નાસી છૂટતાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. તસ્કર પાન-ફાકી કે સિગારેટનો બંધાણી હોઇ શકે તેવા તર્કના આધારે પોલીસે તપાસ શરૂ કરવામાં આવી છે.
ગોંડલમાં ઉમવાળા રોડ પાસે, ગોકુળીયાપરા પાસે રહેતાં પુંજાભાઈ સગરામભાઈ સરસીયા (ઉ. વ. 45) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ભોજપરા ચોકડી પાસે હાઇ-વે ઉપર રામદેવ પાન નામની દુકાન ચલાવે છે. તેઓ પોતાની દુકાન સાંજના આશરે નવેક વાગ્યા સુધી ખુલ્લી રાખી વેપાર કરતાં હતાં.
બાદમાં દુકાનની અંદર આવેલો સાઇડનો દરવાજો અંદરથી બંધ કરી દુકાનના શટરને તાળુ મારી ઘરે જતાં રહ્યા હતાં. બાદ તા. 26ના સવારના સાતેક વાગ્યે તેઓ દુકાન પર ગયા તો દુકાનમાં આવેલો સાઇડનો દરવાજો તૂટી ગયો હતો અને દરવાજો ખુલ્લો હતો.
જેથી તે દરવાજાથી અંદર ગયા તો દુકાનનો સામાન વેર વિખેર હતો અને દુકાનમાં રાખેલું કુલર રૂા. 5500 તથા ટેબલના ખાનામાં રાખેલી રોકડ રકમ રૂ. 2 હજાર, પાન-માવાનો સામાન, સિગરેટનો સામાન મળી કુલ રૂ. 8500નો મુદ્દામાલ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છૂટ્યો હોવાનું તેવું સામે આવ્યું હતું.
ફરિયાદ પરથી ગોંડલ પોલીસે ગુનો નોંધી તસ્કરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.