રાજકોટમાં હવે કોઇ વ્યકિત કે એજન્સી મંજૂરી વગર હોર્ડિંગ સાઇટ ઉભી કરશે તો તેની સામે પોલીસ કેસ સહિતની કાર્યવાહી કરવાની ચેતવણી મનપાએ જાહેર કરી છે. મનપાની એસ્ટેટ શાખાએ જાહેર કર્યુ છે કે, ધી જી.પી.એમ.સી એકટ 1949ની કલમ 244 અનુસાર મહાનગરપાલિકા વિસ્તારમાં તંત્રની પૂર્વ મંજુરી વિના, ખાનગી મિલ્કત પર કે જાહેર સ્થળોએ કોઇ આસામી દ્વારા હોર્ડિંગ બોર્ડ ઉભા કરી શકાતા નથી. ફક્ત મનપા તંત્રની પરવાનગી મેળવી અને નિયત લાઇસન્સ ફી ભર્યા બાદ જ કોઈ પણ પ્રકારનું હોર્ડિંગ બોર્ડ ઉભુ કરી શકાય છે. ત્યારે પરવાનગી સિવાય ખાનગી મિલ્કત કે જાહેર સ્થળે હોર્ડિંગ બોર્ડ ઉભુ કરનાર સામે હવે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ કોઈપણ રીતે આવા બોર્ડ પડવાથી કોઇપણ વ્યકિત કે વસ્તુને ઇજા, નુકસાન કે જાનહાનિ થયે તેની સંપુર્ણ જવાબદારી જે તે મિલકત માલિક અને બોર્ડ ઉભુ કરનાર એજન્સીની રહેશે.