રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરમાં અલગ અલગ 10 સ્થળેથી માવા, મોદક લાડુ, બરફી સહિતની મીઠાઈઓના નમૂના લઈને તપાસાર્થે મોકલ્યા છે. હાલ નવરાત્રિ ચાલી રહી છે તેથી પ્રસાદમાં મીઠાઈનું વેચાણ વધારે થતું હોય છે. ત્યારબાદ દિવાળી પણ આવી રહી છે. જેને લઈને મીઠાઈના નમૂના લેવાને પ્રાથમિકતા અપાઈ રહી છે.
આ ઉપરાંત હાલ ફૂડ સેફ્ટી પખવાડિયાની પણ ઉજવણી ચાલી રહી છે તેને લઈને પણ શહેરમાં અલગ અલગ જગ્યાએથી મીઠાઈ અને માવાના નમૂના લેવાની સૂચના ગાંધીનગરથી આવતા ફૂડ શાખાએ કાર્યવાહી શરૂ કરી છે. આ તપાસ દરમિયાન શ્યામલ ઉપવન, વગડ ચોકડી, મવડી વિસ્તારમાં આવેલી મારુતિ કોઠી આઈસક્રીમની તપાસ કરરાતા તેમાંથી કાચા સમોસા ચકાસવામાં આવતા વાસી અને અખાદ્ય નમૂના લેવામાં આવતા 4 કિલોનો નાશ કરવામાં આવ્યો છે.