શહેરમાં રૈયા રોડ પર વૈશાલીનગર સોસાયટીમાં મેસન ક્લબ ક્રેડિટ કો.ઓપ.સોસાયટીમાં નોકરી કરતી કર્મચારી યુવતીએ મંડળીના સંચાલક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે તપાસ કરતા યુવતીને સંચાલક સાથે પરિચય મેળવી તેના મકાનમાં ભાડા કરાર કરવાના બહાને મૈત્રીકરારમાં સહીઓ કરાવી અવારનવાર અલગ અલગ સ્થળે લઇ જઇ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું તેમજ ધમકીઓ આપતો હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
રાજકોટમાં એક વિસ્તારમાં રહેતી યુવતીઅે રૈયા રોડ પર વૈશાલીનગર સોસાયટીમાં આવેલ મેસન ક્લબ ક્રેડિટ કો.ઓ. સોસાયટીના સંચાલક પરાગ અનિલભાઇ સોલંકી સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં યુવતી મેસન ક્લબ ક્રેડિટ કો.ઓ. સોસાયટી લિ. નામની મંડળીમાં નોકરી કરતી હોય ત્યાંના સંચાલક પરાગએ પરિચય કેળવી તેને પ્રેમજાળમાં ફસાવી આરોપી સંતાનનો પિતા હોય અને યુવતી અપરિણીત હોય ભાડે મકાન અપાવી દેવાનું કહી ભાડા કરારમાં સહી કરવાના બહાને યુવતીની જાણ બહાર મૈત્રીકરારમાં સહીઓ કરવી લીધી હોવાનું જણાવ્યું હતું.
બાદમાં બન્ને વચ્ચે ઝઘડો થતા યુવતી તેના વતન જતી રહી હતી અને બાદમાં રાજકોટમાં અન્ય નોકરી કરતી હોય જેની જાણ થતા પરાગએ ફોન કરી આપણા મૈત્રીકરાર થઇ ગયા હોવાની તારી ઓફિસે જાણ કરી તને બદનામ કરી દઇશ કહી ધમકીઓ આપતો હોય અને અલગ-અલગ સ્થળે લઇ જઇ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.