શહેરની ભાગોળે કાલાવડ રોડ પર નાઇટ ડ્યૂટી દરમિયાન વાહન ચેકિંગ કરી રહેલા કોન્સ્ટેબલ સહિતના સ્ટાફે બે શખ્સને નશાખોર હાલતમાં ઝડપી લીધા હતા. બંનેને પોલીસ મથકે લઇ જવાતા હતા ત્યારે બે વાહનમાં પાંચ શખ્સે ધસી આવી બંને નશાખોરને છોડાવી લઇ જવા ધમાલ કરી હતી અને કોન્સ્ટેબલને એક શખ્સે ધમકી આપી હતી. પોલીસે ધમાલ કરનાર પાંચ પૈકી બેને ઝડપી લીધા હતા જ્યારે નાસી છૂટેલા સૂત્રધાર સહિત ત્રણની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મયૂરસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નિલેશ ચંદુ મકવાણા, મોહિત જયંતી ડાંગર, ભરત વારસુર અને બે અજાણ્યાના નામ આપ્યા હતા. મંગળવારે રાત્રે એકાદ વાગ્યે પોતે તથા અન્ય સ્ટાફ કાલાવડ રોડ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે એક સ્કૂટરમાં બે શખ્સ શંકાસ્પદ હાલતમાં આવતા તેને અટકાવ્યા હતા. બંનેએ નશો કરેલી સ્થિતિમાં હોય સ્કૂટરસવાર નશાખોર બાસીત અશરફ મોરવાડિયા અને કટી કેશુ બગડાને કોન્સ્ટેબલ મયૂરસિંહે પોતાની કારમાં બેસાડ્યા હતા અને પોલીસ મથકે લઇ જવા નીકળ્યા હતા જ્યારે નશાખોરનું સ્કૂટર લઇને અન્ય સ્ટાફ પોલીસ સ્ટેશને જવા રવાના થયો હતો.
કોન્સ્ટેબલ મયૂરસિંહ થોડે દૂર જ પહોંચ્યા હતા ત્યાં બે બાઇકમાં પાંચ શખ્સ ધસી આવ્યા હતા અને મયૂરસિંહની કાર અટકાવી તેની કારના બોનેટ પર હાથ પછાડવા લાગ્યા હતા. મયૂરસિંહને કારની બહાર ખેંચી કાઢી ગાળો ભાંડવા લાગ્યા હતા એક શખ્સે પોતાની ઓળખ ભરત વારસુર તરીકે આપીને કહ્યું હતું કે, તું મને ઓળખતો નથી, હું હજુ જેલમાંથી છૂટ્યો જ છું, આ લોકને જવા દે નહીંતર તું ખોવાઇ જઇશ. દરમિયાન અન્ય પોલીસ સ્ટાફ આવી પહોંચતા ભરત વારસુર અને અન્ય બે અજાણ્યા નાસી ગયા હતા, જ્યારે નિલેશ અને મોહિતને ઝડપી લઇ ફરજની રૂકાવટનો ગુનો નોંધી વિશેશ કાર્યવાહી હાથ ધરી છે.