નાણાંની લેતી-દેતીમાં મિત્રની હત્યા કરનારને આજીવન સખત કેદની સજા

રાજકોટના રવિરત્નપાર્કની શેરીમાં છ વર્ષ પહેલા છરીના આડેધડ ઘા મારી હરેશ માધવજીભાઇ મકવાણાની હત્યા કરવાના ગુનામાં અધિક સેશન્સ જજ વી.એ.રાણાએ આરોપી ફિરોઝ ઝીકરભાઇ માટલિયાને તકસીરવાન ઠરાવીને આજીવન સખત કેદની સજા અને રૂ.25 હજાર દંડનો હુકમ કર્યો છે. તેમજ મૃતકના પરિવારજનોને રૂ.10 લાખનું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરી છે.

આ કેસની વિગત એવી છે કે, મરણ જનાર હરેશ મકવાણા અને આરોપી ફિરોઝ માટલિયા તા.23-02-2019ના રોજ બપોરના સમયે સ્વામિનારાયણ મંદિરની સામે નકલંક ટી સ્ટોલ ખાતે નાણાકીય લેતી-દેતીના મુદ્દે મળ્યા હતા અને ત્યાં બન્ને વચ્ચે ઝઘડો થતા હરેશભાઇ ત્યાંથી નીકળી ગયા હતા અને રવિરત્નપાર્ક શેરી નં.4ના ખૂણા પાસેથી હરેશભાઇ પસાર થઇ રહ્યા હતા ત્યારે આરોપી ફિરોઝે પોતાનું મોટરસાઇકલ હરેશભાઇના મોટરસાઇકલ સાથે અથડાવી તેઓને પછાડી દઇ છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. મોટરસાઇકલ અથડાવવાથી આરોપી ફિરોઝને પણ ઇજા થતા તેણે સિવિલ હોસ્પિટલે જઇને સારવાર લીધી હતી. આ અંગે મરણજનારના ભત્રીજા પીયૂષ મકવાણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને અલગ-અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ મળી આવતા આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો.

આ કેસ ચાલી જતા સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ ધારદાર દલિલ અને વિવિધ પુરાવા રજૂ કર્યા હતા. જેથી દલીલો અને પુરાવા ધ્યાનમાં લઇ અધિક સેશન્સ જજ ‌વી.એ.રાણાએ આરોપી ફિરોઝ ઝીકર માટલિયાને તકસીરવાન ઠરાવી આજીવન સખત કેદની સજા અને રૂ.25 હજારના દંડનો હુકમ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *