સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી શખ્સે દુષ્કર્મ આચર્યું

શહેરમાં નવલનગર વિસ્તારમાં રહેતા મારવાડી પરિવારની સગીર વયની બાળાને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી નાસી જનાર શખ્સને પોલીસે અમદાવાદમાંથી દબોચી લઇ બાળાને છોડાવી હતી. બનાવને પગલે પોલીસે તપાસ કરતાં સગીરાનું અપહરણ કરી શખ્સે દુષ્કર્મ આચર્યાનું બહાર આવતા પોલીસે પોક્સો સહિતનો ગુનો નોંધી આરોપીની ધરપકડની કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવલનગર વિસ્તારમાં ભાડે રહેતા મારવાડી પરિવારની 14 વર્ષની પુત્રી ઘેરથી બહાર ગયા બાદ પરત નહીં આવતા તેના પરિવારે તેની શોધખોળ કરી હતી, પરંતુ દીકરીની કોઇ ભાળ નહીં મળતા જાણ કરતાં માલવિયાનગર પોલીસે પિતાની ફરિયાદ પરથી સગીરાના અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન માલવિયાનગર પોલીસે તપાસ કરતાં સગીરાનું અપહરણ કરી નાસી જનાર શખ્સ અમદાવાદમાં હોવાની માહિતીને આધારે પીએસઆઇ ગજેરા સહિતના સ્ટાફે દરોડો પાડી સગીરાને મુક્ત કરાવી શખ્સની અટકાયત કરી તેની પૂછતાછ કરી હતી.

પોલીસની પૂછતાછમાં મૂળ દક્ષિણ ગુજરાતનો હાલ રાજકોટ રહેતો યશ હર્ષદભાઇ ડાંગ હોવાનું અને અગાઉ સગીરાના પાડોશમાં રહેતો હોય પરિચય થતાં પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયાનું રટણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની વધુ તપાસમાં શખ્સ સગીરાનું અપહરણ કરી તેને અલગ-અલગ જગ્યા પર લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હોવાનું બહાર આવતા પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી આરોપી યશ સામે પોક્સો સહિતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *