બસપોર્ટ પાસેથી રૂ.95 હજારની કિંમતનુ 9.56 ગ્રામ મેફેડ્રોન સાથે બનાસકાંઠાના શખ્સને એસઓજીની ટીમે ઝડપી લીધો હતો. પોલીસની પૂછતાછમાં ભાભોરના શખ્સે બે હજાર કમિશન આપવાની લાલચ આપતા રાજકોટ ડિલિવરી કરવા આવ્યો હોવાનું રટણ કરતાં એ-ડિવિઝન પોલીસે તેની ધરપકડ કરી કોર્ટ હવાલે કરતાં તેને જેલહવાલે કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.
બસપોર્ટ પાસે એક શખ્સ માદક પદાર્થની ડિલિવરી કરવા આવ્યો હોવાની માહિતીને આધારે પીઆઇ એસ.એમ.જાડેજા સહિતની ટીમે વોચ ગોઠવી શંકાસ્પદ શખ્સને અટકાવી પૂછતાછ કરતાં તે બનાસકાંઠાના ભાભોર તાલુકાના સણવા ગામે રહેતો ધર્મેન્દ્ર ઉર્ફે નરેન્દ્ર બાબુભાઇ ભાટી હોવાનું જણાવતા તેની તલાશી લેતા તેની પાસેથી 9.56 ગ્રામ મેફેડ્રોન મળી આવતા એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તેની પાસેથી મોબાઇલ, રોકડ અને મેફેડ્રોન સહિત એક લાખની મતા કબજે કરી હતી.
પોલીસની પૂછતાછમાં તેને આ માદક પદાર્થ ભાભોરના ઇમરાન નામના શખ્સે ડિલિવરીના બે હજાર આપવાની વાત કરતા ડિલિવરી આપવા માટે એસ.ટી. બસમાં રાજકોટ આવ્યો હતો અને ડિલિવરી આપે તે પહેલાં જ પકડાઇ ગયો હોવાનું સામે આવતા કોને ડિલિવરી આપવાની હોય તે અંગે કંઇ જાણતો ન હોવાનું રટણ કરતાં પોલીસે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા આરોપીને જેલહવાલે કરવાનો હુકમ થયો હતો.