શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી પર અંકુશ લગાવવાના પોલીસના અભિયાન દરમિયાન કાલાવડ રોડ પર રવિપાર્કમાંથી રૂ.2.76 લાખની કિંમતના દારૂના જથ્થા સાથે શખ્સને પકડી લઇ તપાસ કરતાં નામચીન બૂટલેગર ફિરોઝ સિંધી સહિત બે શખ્સના નામ ખુલ્યા હતા તેમજ ફાડદંગથી ગઢકા જવાના રસ્તા પરથી બોલેરોમાં પ્લાસ્ટિક પાઇપના રોલ પાછળ છુપાવેલો સાડા ત્રણ લાખના દારૂ સાથે બે શખ્સને પોલીસે ઝડપી લીધા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કાલાવડ રોડ પર રવિપાર્કમાં મકાનમાં એલસીબી ઝોન-2ની ટીમે દરોડો પાડી રૂ.2.76 લાખની કિંમતના દારૂના જથ્થા સાથે મનીષ પ્રાગજી ભટ્ટીની ધરપકડ કરી તેની આકરી પૂછતાછ કરતાં આ દારૂનો જથ્થો નામચીન બૂટલેગર ફિરોઝ સંધીનો હોવાનું અને ચારેક માસથી મકાન ભાડે રાખ્યું હતું અને મનીષ અહીં રહી દારૂનું કટિંગ કરતો હોવાનું રટણ કરતા પોલીસે ફિરોઝની શોધખોળ કરી છે.
જ્યારે બીજા દરોડામાં ફાડદંગથી ગઢકા જવાના રોડ પર બોલેરોમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની માહિતીને આધારે વોચ ગોઠવી ક્રાઇમ બ્રાંચની ટીમે શંકાસ્પદ બોલેરો ચાલકને અટકાવી પૂછતાછ કરતાં તે રાજસ્થાની જુંજારામ ભલારામ ગોદારા અને લીલી સાજડિયાળી ગામે રહેતો જેસીંગ કેશુભાઇ મકવાણા હોવાનું જણાવતા પોલીસે તલાશી લેતા બોલેરોમાં પ્લાસ્ટિકના પાઇપના રોલમાં છુપાવેલો રૂ.3.24 લાખની કિંમતનો દારૂ મળી આવતા પોલીસે બન્નેની ધરપકડ કરી વધુ પૂછતાછ કરી છે.