શહેરમાં માદક પદાર્થના વેચાણ અટકાવવા પોલીસના અભિયાન દરમિયાન એસઓજીની ટીમે ખોડિયારનગરના શખ્સને રૂ.80 હજારની કિંમતના 8 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપી લઇ તેની પૂછતાછ કરતાં અગાઉ નશો કરવાની કુટેવ હોય કેટલાક સમયથી મુંબઇથી માદક પદાર્થ લઇ આવી છૂટક વેચતો હોવાનું અને અગાઉ પણ ત્રણેક વાર ટ્રિપ મારી હોવાનું રટણ કરતાં પોલીસે વધુ પૂછતાછ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સોરઠિયા વાડી પાસેના પવન પુત્ર ચોક પાસે માદક પદાર્થની હેરાફેરી થતી હોવાની માહિતીને આધારે પીઆઇ એસ.એમ. જાડેજા સહિતની ટીમે સોરઠિયાવાડી નજીક પવનપુત્ર ચોક પાસે વોચ ગોઠવી શંકાસ્પદ શખસને અટકાવી તેની પૂછતાછ કરતાં તે આજી વસાહત પાસેના ખોડિયારનગરમાં રહેતો મનોજ રામદાસભાઇ દેસાણી હોવાનું અને મજૂરીકામ કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તલાશી લેતા તેની પાસેથી શંકાસ્પદ હાલતમાં માદક પદાર્થ મળી આવતા પોલીસે એફએસએલની મદદથી તપાસ કરતા શખ્સ પાસેથી મળી આવેલ મેફેડ્રોન હોવાનું બહાર આવતા પોલીસે તેની પાસેથી 80 હજાર રૂપિયાની કિંમતનું 8 ગ્રામ મેફેડ્રોન કબજે કરી ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ મયુરસિંહ સરવૈયા સહિતના સ્ટાફે તેની સામે ગુનો નોંધી બે મોબાઇલ, માદક પદાર્થ, રોકડ સહિત 90 હજારની મતા કબજે કરી તેની પૂછતાછ કરી હતી. પોલીસની પૂછતાછમાં અગાઉ નશાની આદત હોય અને મુંબઇથી મેફેડ્રોન લઇ આવી છૂટક પડીકીઓ બનાવી વેચાણ કરતો અને અગાઉ પણ ત્રણેક વખત માદક પદાર્થની ટ્રિપ કરી હોવાનું રટણ કરતાં તેની સાથે વધુ કોઇ શખ્સોની સંડાવણી છે કે કેમ ? તે સહિતની વધુ પૂછતાછ માટે રિમાન્ડની માંગ સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી કરી છે.