રાજકોટ તાલુકાના અમરગઢ ભીચરી ગામે સરવે નં.228 પૈકીની 10 હજાર ચો.મી. સરકારી ખરાબાની જમીનમાં વર્ષોથી કારખાના, દુકાનો, વંડા સહિતના પાકા દબાણો ખડકાઇ ગયાની હકીકત ધ્યાનમાં આવતા તાલુકા મામલતદાર કાર્તિક મકવાણાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ફેરવી રૂ.20 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.
રાજકોટ તાલુકા મામલતદારે માહિતી આપતા જણાવ્યું હતું કે, અમરગઢ ભીચરી ગામે સરવે નં.228ની સરકારી જમીનમાં સિમેન્ટના થાંભલા બનાવવાની ફેક્ટરી, બે દુકાન, 4 જેટલા ઢોર બાંધવાના પાકા વાડા, બે ઓરડી સહિતના પાકા બાંધકામો ખડકાઇ ગયાની હકીકત ધ્યાનમાં આવી હતી.