રાજકોટ રેલવે ડિવિઝનમાંથી ચાલતી 4 ટ્રેનોને આંશિક રીતે ડાયવર્ટ કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ રેલવેના સત્યસાઈ પ્રસંતિનિલયમ અને બસમપલ્લી સ્ટેશનો વચ્ચે આવેલી ટનલ નંબર 65ની મેન્ટેનન્સ કામગીરીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને 8 ડિસેમ્બરથી 28 જાન્યુઆરી દરમિયાન આ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોની જાણ માટે ડાયવર્ટ કરવામાં આવેલી ટ્રેનની વિગતો પણ જાહેર કરવામાં આવી છે. તેમજ ટ્રેનના સંચાલન સંબંધિત વધુ અપડેટ્સ માટે www. enquiry. indianrail.gov.inની મુલાકાત લેવા જણાવાયું છે.
ટ્રેન નં. 19568/19567 ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે
પ્રાપ્ત વિગત મુજબ ટ્રેન નંબર 19568 ઓખા-તુતીકોરિન વિવેક એક્સપ્રેસ 8 ડિસેમ્બર, 2023થી 26 જાન્યુઆરી, 2024 સુધી ડાયવર્ટ કરેલા રૂટ વાયાગુંટકલ-રેનિગુંટા-જોલારપેટ્ટાઈ-સાલેમ થઈને દોડશે. આ ટ્રેન જ્યાં નહીં જાય તેમાં અનંતપુર, ધર્માવરમ, હિન્દુપુર, યેલાહંકા અને બંગારાપેટ સ્ટેશનોનો સમાવેશ થાય છે. જ્યારે ટ્રેન નંબર 19567 તુતીકોરિન-ઓખા વિવેક એક્સપ્રેસ 10 ડિસેમ્બર, 2023થી 28 જાન્યુઆરી, 2024 સુધી ડાયવર્ટ કરેલા રૂટ વાયાસાલેમ-જોલારપેટ્ટાઈ-રેનિગુંટા- ગુંટકલ થઈને દોડશે. આ ટ્રેન જ્યાં નહીં જાય તેમાં બાંગરાપેટ, કૃષ્ણરાજપુરમ, યેલાહંકા, હિન્દુપુર, ધર્માવરમ અને અનંતપુર સ્ટેશનોનો સમાવેશ થાય છે.