રાજકોટમાં વધુ એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલ રૂડા ટ્રાન્સપોર્ટ વિસ્તારની બાજુમાં આવેલ દિવેલીયા વિસ્તારમાં આવેલી શેમ્પુ બનાવતી ફેકટરીમાં બપોરના 12 વાગ્યે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી.
ત્યાર બાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા અલગ અલગ 7 ફાયર ફાઇટરે ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. આમ આગ 2 કલાકમાં જ 80 ટકા જેટલી કાબૂમાં આવી ગઈ હતી. અંદરના ભાગે કેમિકલ પણ હોવાથી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગમાં બે બાઇક પણ ખાખ થઈ ગયા હતા.
બેરલમાં બ્લાસ્ટ થવાથી કેમિકલ ફેક્ટરીમાંથી બહાર રસ્તા પર આવી ગયું હોવાથી રસ્તા ઉપર પણ આગ લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જેના પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે, બે વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.