મહુઆ મોઇત્રા લોકસભામાંથી સસ્પેન્ડ

કેશ ફોર ક્વેરી કેસમાં સંડોવાયેલાં TMC સાંસદ મહુઆ મોઇત્રાનું સંસદસભ્યપદ સમાપ્ત થઈ ગયું છે. એથિક્સ કમિટીના રિપોર્ટ બાદ તેમની સદસ્યતા રદ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પછી મતદાન થયું. જોકે મહુઆ મોઇત્રાને સસ્પેન્ડ કરવા માટે ગૃહમાં મતદાન શરૂ થતાં જ વિપક્ષે આનો બહિષ્કાર કર્યો હતો.

મતદાન બાદ લોકસભા સ્પીકરે મહુઆ મોઇત્રા વિરુદ્ધ હકાલપટ્ટીનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. લોકસભામાંથી તેમની હકાલપટ્ટી બાદ મહુઆએ કહ્યું હતું કે લોકસભાની એથિક્સ કમિટીએ મને ઝુકાવવા માટે બનાવેલા પોતાના રિપોર્ટમાં દરેક નિયમ તોડ્યા છે.

આ પહેલાં પણ ચર્ચા દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મહુઆ મોઇત્રાને ગૃહમાં બોલવા દીધા ન હતા. તેમણે કહ્યું હતું કે તેમને પેનલની બેઠકમાં બોલવાનો મોકો મળ્યો હતો.

અગાઉ શુક્રવારે (8 ડિસેમ્બર) લોકસભામાં રજૂ કરાયેલા એથિક્સ કમિટીના અહેવાલમાં તેમણે મહુઆનું સંસદસભ્યપદ રદ કરવાની ભલામણ કરી હતી અને કાયદાકીય તપાસની માગ કરી હતી. જોકે TMCએ માગ કરી હતી કે 500 પાનાંનો રિપોર્ટ વાંચવા માટે 48 કલાકનો સમય આપવામાં આવે.

ગૃહની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી, પરંતુ ચાર મિનિટ પછી એને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. 12 વાગ્યે એથિક્સ કમિટીના ચેરમેન વિજય સોનકરે રિપોર્ટ રજૂ કર્યો. આ મુદ્દે લોકસભામાં ત્રણ વખત હોબાળો થયો હતો. કાર્યવાહી બે વખત સ્થગિત કરવામાં આવી હતી. મહુઆની હકાલપટ્ટી માટે ત્રીજી વખત બપોરે 2 વાગ્યે મતદાન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *