રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળમાં વર્ષ 2021માં ઉત્તરાયણ પર્વે અનોખી ભેટરૂપે માધાપર બસ સ્ટેશનના નિર્માણ માટે ટોકન ભાવે 6800 ચો.મી. જગ્યામાં જમીનની ફાળવણી કરવામાં આવી હતી, જે મોરબી અને જામનગર જતા મુસાફરો માટે ઉપયોગી બન્યું. અહિંથી 200 જેટલી બસોની અવરજવર રહે છે. જોકે, આ કામચલાઉ બસ સ્ટેશન ખંઢેર બન્યું હતું, પરંતુ ધારાસભ્યની સ્થળ મુલાકાત અને રજૂઆત બાદ 4 વર્ષ બાદ 2025માં આ પિકઅપ સ્ટેન્ડ ફરી કાર્યરત કરવામાં આવ્યું છે. જોકે હજુ અહીં મુસાફરોને બેસવા માટેના બાંકડા અને પંખા નથી. અહીં નવું બસ સ્ટેશન બને એવી મુસાફરોની પ્રબળ માગ છે. મળતી માહિતી પ્રમાણે મનપાની ટી.પી. સ્કિમના વાંકે બસ સ્ટેશનના નિર્માણનું કામ અટક્યું છે.
તમામ બસો અંદર આવતા મુસાફરોને ફાયદો મુસાફર ધવલ ભટ્ટે જણાવ્યું હતું કે, રાજકોટ એસટી વિભાગે છેલ્લા ઘણા વર્ષો પહેલાં આ બસ સ્ટેશન બનાવેલું છે. માધાપર પિક અપ સ્ટેન્ડના નામે આ બસ સ્ટેશન બનાવવામાં આવેલું છે. પહેલા એવું થતું હતું કે, એસટી બસો બસ સ્ટેન્ડની બહારથી જ નીકળી જતી હતી. જોકે બાદમાં રાજકોટ એસટીના વિભાગીય નિયામક દ્વારા અહીંથી પસાર થતી દરેક એસટી બસને બસ સ્ટેશનની અંદર આવવા માટે સૂચના આપવામાં આવી છે. જેથી બહારથી જે બસો નિકળી જતી હતી, તે બસો પીકઅપ સ્ટેન્ડની અંદર પણ આવી રહી છે, જેનાથી મુસાફરોને ફાયદો થઈ રહ્યો છે.