રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જામનગરના રામપર ગામે રૂપિયા 300 કરોડના ખર્ચે 5100 નિરાશ્રિત અને અશક્ત વડીલો રહી શકે એ માટે દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ નિર્માણ પામી રહ્યો છે. એના લાભાર્થે 12 વર્ષ બાદ એટલે કે 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2024 સુધી મોરારિબાપુ રામકથાનું રસપાન કરાવશે. એમાં 150 કરોડ વૃક્ષોનાં વાવેતર અને એના જતનનો સંકલ્પ કરવામાં આવશે. ત્યારે દરરોજ 1 લાખ લોકો કથા શ્રવણનો લાભ લેશે અને દરરોજ 50,000 લોકો ભોજન-પ્રસાદ ગ્રહણ કરશે.
રામકથા દરમિયાન ભોજનની વ્યવસ્થા કરતા કેતન પટેલે જણાવ્યું હતું કે રેસકોર્સ મેદાનમાં યોજનારી રામકથામાં દરરોજ 45 હજાર જેટલા શ્રાવકો કથા શ્રવણ કરશે, જેમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, એમાં માઁ અન્નપૂર્ણાનો ભંડાર તૈયાર કરવામાં આવશે. આના માટે ઇડરવાળા જિતુભાઈને કેટરિંગ આપવામાં આવેલું છે, જેના 150થી વધુ રસોઇયાઓ રસોઈ બનાવવાના છે. લાઇવ ચૂલા પર સ્વામિનારાયણની રોટલી બનાવવામાં આવશે, સાથે જ લોટ બાંધવા માટે મશીન રાખેલું છે. ભોજન પ્રસાદમાં પ્રથમ દિવસે ફાડા લાપસી, મિક્સ ભજિયાં, મગ મિક્સનું શાક, રોટલી, દાળ-ભાત, શાક અને સંભારો આપવામાં આવશે. આ રીતે મોહનથાળ સહિતની મીઠાઈ ઉપરાંત દરરોજ બે શાક હશે.