ગુજરાતમાં ચારથી પાંચ એવી મોટી દુર્ઘટના બની છે, જેણે સૌ કોઈના કાળજા કંપાવી નાખ્યા છે. જેમાં સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ, મોરબીનો ઝુલતો પુલ તૂટવાની ઘટના, વડોદરાનો હરણી બોટકાંડ અને હાલમાં જ જેની આગ હજુ પણ ઠંરી નથી એવો રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ. આ તમામ ઘટનામાં નિર્દોષ લોકોના ભોગ લેવાયા બાદ તટસ્થ તપાસ અને પીડિતોને નિષ્પક્ષ ન્યાય આપવાની વાતો જ માત્ર રાજકીય નેતાઓ કરે છે. આનું વધુ એક ઉદાહરણ આજે રાજકોટમાં સામે આવ્યું છે. જેમાં વિશ્વ યોગ દિવસના દિવસે ભાજપ આયોજીત યોગાના કાર્યક્રમમાં પહોંચેલા રાજ્યનાં પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાએ કરપ્શનને લઈ વાત કરતા મીડિયાએ ગેમ ઝોનમાં સંડોવાયેલા અધિકારીઓ અને પદાધિકારીઓના ભ્રષ્ટાચાર બાબતે પૂછવામાં આવતા તેમણે કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું. આ સાથે જણાવ્યું હતું કે, આજે આ વિષય નથી. તો વધુમાં રાજકોટના પ્રભારી અને રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ આજે રાજકોટમાં પહોંચ્યા હતા. જેઓને અધિકારીઓ-પદાધિકારીઓને સજા થશે કે કેમ? તે બાબતે સવાલ કરતા પોતાની છટકબારી સોધી ‘વેઇટ એન્ડ વોચ’ એવો જવાબ આપ્યો હતો.
આજરોજ (21 જૂન) વિશ્વ યોગ દિવસે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 5 સ્થળોએ તો રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ઉપલેટા ખાતે યોગ દિવસનું આયોજન થયું હતું. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની અધ્યક્ષતામાં માધવરાવ સિંધિયા ક્રિકેટ મેદાનમાં યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે રાજ્યનાં પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળા હાજર રહ્યાં હતાં. જેમણે યોગ દિવસને લઈ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વ્યક્તિના શરીરની અંદર ચાર વસ્તુ હોય છે. સ્થૂળ શરીર હોય છે. શરીર ઉપર મન હોય છે. મન ઉપર બુદ્ધિ અને બુદ્ધિ ઉપર આત્મા હોય છે. વ્યક્તિ કોઈ કૃત્ય કરવા જતો હોય તો મન એમ કહે કે આ કૃત્ય કરું કે ન કરું. કરપ્શનના પૈસા લઉં કે ન લવ? અત્યારે બધા લે છે, તો હું પણ લઈ લઉં, પરંતુ કોઈનો આત્મા તેને ખોટું કરવાનું કહેતો નથી. આત્મા કહે તે જ કરવું જોઈએ. કરપ્શનની વાત ભાજપના નેતાના મુઢેથી નીકળતા હાજર મીડિયા કર્મીઓએ પૂછયું કે, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ કરપ્શનમાં પકડાઈ રહ્યા છે તે બાબતે શું કેશો? જેનો જવાબ આપવાનું ટાળતા વજુભાઈ વાળાએ કહ્યું હતું કે, આજે આ વિષય નથી.