રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં નાગરિક ત્યાં સુવિધા અને તમામ સેવાઓ સરળ બનાવવાની મસમોટી જાહેરાત કરવામાં આવી હતી અને નવું નાણાકીય વર્ષ શરૂ થતાં જ મનપાના તંત્રની પોલ ખુલ્લી પડી ગઇ છે. તાજેતરમાં ભારત સરકારે જન્મના દાખલા માટે નવું ફોર્મેટ જાહેર કર્યું છે અને તે તમામ કચેરીથી માંડીને શાળાઓમાં જરૂરી હોય રાજકોટના નાગરિકોના રોજ જન્મના પ્રમાણપત્ર કઢાવવા મનપાની કચેરીની દોડધામ થાય છે. તેમાં પણ સોમવારે અને બુધવારે વિશેષ ધસારો રહે છે. આજે પણ જન્મ-મરણના પ્રમાણપત્રો કઢાવવા અરજદારો સવારે 6 વાગ્યે મહાનગરપાલિકાની કચેરીના ગેટ પર પહોંચી ગયા હતા. જેની જાણ થતાં આરોગ્ય સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓ દોડી ગયા હતા અને લોકોને લાંબો સમય લાઇનમાં ઊભા ન રહેવું પડે તે માટે વધુ ચાર સિસ્ટમ મૂકવા તત્કાલ આદેશ કર્યો હતો.
મનપામાં રોજ એવરેજ 75થી 80 અરજદાર જન્મ-મરણના પ્રમાણપત્રો કઢાવવા આવે છે, જ્યારે બુધવારે વહેલી સવારથી જ 100થી વધુ અરજદારો દાખલા કઢાવવા લાઇનમાં બેસી ગયા હતા. બપોરે કાળઝાળ ગરમી શરૂ થતા અને જન્મ-મરણના પ્રમાણપત્ર માટે મોટી લાઇનો લાગી હોવાની જાણ થતાં આરોગ્ય સમિતિના ચેરમેન ત્યાં દોડી ગયા હતા અને હવે આરોગ્ય અધિકારી ડો.જયેશ વંકાણી સાથે ચર્ચા-વિમર્શ કરતાં આધારકાર્ડમાં નવા ફોર્મેટ મુજબ નામ સુધારવા માટે ધસારો થતો હોવાનું ફલિત થતાં 5 નવી સિસ્ટમ મૂકવા સૂચના આપી હતી. તેમજ અરજદારોને બેસવા માટે ખુરશી, છાંયડો અને પીવાનું પાણી પણ મળે તેવી સૂચના આપી હતી. આરોગ્ય વિભાગે આ માટે મહેકમ વિભાગને પાંચ સિસ્ટમ ફાળવવા અને પાંચ ઓપરેટર ફાળવવા માટે રજૂઆત કરી છે.