રાજકોટ સિવિલમાં દર્દીઓની લાંબી લાઈનો

રાજકોટમાં સામાન્ય રીતે દર વર્ષે વરસાદના આગમન સાથે રોગચાળો પણ ફેલાય છે. ચોમાસામાં ઠેર ઠેર પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા બીમારીઓનું પ્રમાણ પણ વધે છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સાવ ધીમીધારે વરસાદ પડે છે અને તડકો તો થોડીવાર માટે જ જોવા મળે છે. જેના કારણે રોગચાળો વકર્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી રહી છે. તો ઓપીડીમાં 20% જેટલો વધારો થતાં માત્ર બે સપ્તાહમાં 42,000 ઓપીડી નોંધાઈ છે. જેમાં ડેન્ગ્યુ-મેલેરિયા અને ઝાડા-ઉલટી તેમજ વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે.

રાજકોટમાં આજે ચાંદીપુરા પોઝિટીવ વધુ એક બાળકનું મોત નીપજ્યું છે. 25 જુલાઈના રોજ સુરેન્દ્રનગર ખાતેની સીયુ શાહ હોસ્પિટલમાં દાખલ થયેલ આ બાળકનો ત્યાં જ રિપોર્ટ થયો હતો. જે પોઝિટીવ આવ્યો હતો. આ પછી 27 જુલાઈનાં માતા-પિતા બાળકને ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ તબિયત વધુ બગડતા તા. 28 જુલાઈ અત્રે રાજકોટની જનાના હોસ્પિટલમાં દાખલ થતા તેને વેન્ટિલેટર પર રાખી સઘન સારવાર આપવામાં આવી હતી. જોકે, ગતરાત્રે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. મૃતક બાળકનું મૂળ વતન બોટાદ છે. તે દોઢ મહિના પહેલા સુરેન્દ્રનગરનાં વઢવાણ તાલુકાનાં લખતરી ગામે રહેવા આવ્યો હતો. અગાઉ આ બાળકે દોઢ મહિના પહેલા બોટાદથી સુરેન્દ્રનગર ટ્રાવેલ કર્યું હોવાની હિસ્ટ્રી મળી આવી છે. હાલ ચાંદીપુરાનાં વોર્ડમાં કુલ 9 દર્દી સારવાર લઈ રહ્યા છે, જેમાંથી ત્રણ દર્દી પોઝિટીવ અને ચાર નેગેટિવ છે. જ્યારે અન્ય બે શંકાસ્પદ બાળકોના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *