રાજકોટ શહેરનાં વોર્ડ નંબર 11 ખાતે આવેલી અંબિકા ટાઉનશીપમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અહીં રોડ-રસ્તા તેમજ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જેને લઈને આજે મોટી સંખ્યામાં સ્થાનિકોએ એકઠા થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને ભાજપની સરકાર હાય હાય સહિતના નારા સ્થાનિકોએ લગાવ્યા હતા. આ તકે નેતાઓ માત્ર મત લેવા જ આવતા હોવાનો આરોપ લગાવીને સ્થાનિકોએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
સુશીલ મણવર નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારનાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. આ મામલે લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી. ચૂંટણી સમયે સાંસદ પુરુષોત્તમ રૂપાલા સહિતના ભાજપના આગેવાનો આવ્યા હતા. ત્યારે તેમને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જોકે ચૂંટણી બાદ કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલમાં થોડો વરસાદ પડ્યા બાદ તો રસ્તાની હાલત અતિશય ખરાબ થઈ છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી.