રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દસમા તબક્કામાં વેસ્ટ ઝોનમાં સેવા સેતુ કેમ્પ રૈયા રોડ પરના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. જેમાં સરકારના 13 વિભાગની 55થી વધુ યોજનાઓનો લાભ લેવા માટે લોકોની કતાર જોવા મળી હતી. મુખ્યત્વે આધાર કાર્ડ અને આવકના દાખલાના ટેબલે લાભાર્થીઓની પડાપડી થઈ હતી. જોકે, આ તકે એક દિવ્યાંગ અને વૃદ્ધ કે જેઓ દુકાનોએથી માગીને ભોજન સહિતનો જીવન નિર્વાહ ચલાવે છે. જેમની માસિક જરૂરિયાત રૂપિયા 6,000ની છે, પરંતુ તેઓ જ્યારે સેવા સેતુ કેમ્પમાં પહોંચ્યા તો વૃદ્ધ સહાયનું ટેબલ ખાલી જોવા મળ્યું હતું. આ દરમિયાન ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ, મેયર ડૉ. નયનાબહેન પેઢડીયા, મ્યુનિસીપલ કમિશનર દેવાંગ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટના ગુલાબભાઈ સેતાએ જણાવ્યું હતું કે, વૃદ્ધ વિકલાંગને કોઈ સહાય મળતી નથી. હું વૃદ્ધ છું અને 40 ટકા દિવ્યાંગતા છે. પત્ની માવતરમાં રહે છે. 12 વર્ષનો દીકરો પણ ત્યાં રહે છે. પોપટપરા શેરી નંબર 1માં રહું છું. અલગ અલગ દુકાનેથી માગીને ઘર ચલાવું છું. અહીં સેવા સેતુ કેમ્પમાં વૃદ્ધ સહાય માટે આવ્યો છું, પરંતુ અહીં ટેબલ ઉપર કોઈ વ્યક્તિ ન હોવાથી મારી સમસ્યા દૂર થઈ નથી. મહિને રૂપિયા 6,000 જેટલી સહાય મળે તો જીવન નિર્વાહ ચલાવી શકાય.