રાજકોટ શહેરમાં રૂ.50ના સ્ટેમ્પ પેપરના કાળાબજાર થતા હતા. સરકારે નક્કી કરેલા ભાવ કરતાં સ્ટેમ્પ વેન્ડરો રૂ.50ના સ્ટેમ્પ પેપર સામાન્ય અરજદારો પાસેથી રૂ.60 અને 70 જેવી રકમ ગેરકાયદેસર રીતે વસૂલ કરતા હતા. ઉપરની જે રકમ આવતી હતી તે લોકો પોતાના ખિસ્સામાં નાખતા હતા. રાજકોટ શહેરમાં સ્વામિનારાયણ ચોક, ગોંડલ રોડ, કેનાલ રોડ, મોચી બજારમાં લાઇસન્સ ધરાવતા સ્ટેમ્પ વેન્ડરો પાસે પહોંચી હતી અને વેન્ડરોએ રૂ.60 અને 70 ચાર્જ થશે તેમ કહ્યું હતું. એક સ્ટેમ્પ વેન્ડરે દિવ્ય ભાસ્કર પાસેથી રૂ.60ની વસૂલાત કરી હતી. ત્યારે ગેરકાયદેસર રીતે ચાર્જ વસૂલનાર રાજકોટના ચાર સ્ટેમ્પ વેન્ડરને લાઇસન્સ રદ કરવા માટેની નોટિસ આપી છે અને તેઓના લાઇસન્સ રદ કરવામાં આવશે તેમ સ્ટેમ્પ ડ્યૂટીના પ્રાંત-1ના નાયબ કલેક્ટર દિલીપસિંહ વાળાએ જણાવ્યું છે.
સ્ટેમ્પ વેન્ડરોને ઈ- સ્ટેમ્પિંગ સર્ટિફિકેટ દીઠ 0.15 ટકા કમિશન ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ દીઠ રૂ.10નું કમિશન મળે છે. આમ છતાં સ્ટેમ્પ વેન્ડરો વધારાના રૂ.10થી 20 સુધીની રકમ વસૂલતા હતા અને આ રકમને સ્ટેમ્પ વેન્ડરો પોતાનો ચાર્જ, તેમજ ફોર્મ ભરવાનું મહેનતાણું ગણાવતા હતા. તેમજ સ્ટેમ્પ વેન્ડરો સિવાયના અન્ય વ્યક્તિઓ દ્વારા ઈ-સ્ટેમ્પિંગ કાઢતા હોવાનું વહીવટી તંત્રના ધ્યાનમાં આવ્યું છે. ત્યારે જે સ્ટેમ્પ વેન્ડરો વધારાનો ચાર્જ લોકો પાસેથી વસૂલ કરતા હતા તેમને લાઇસન્સ રદ કરવા માટેની દરખાસ્ત કરી કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને તે તમામને 26 મેના રોજ સુનાવણી દરમિયાન હાજર રહીને ખુલાસો કરવા જણાવ્યું છે. અત્યાર સુધી કેટલા લોકો પાસેથી વધારાનો ચાર્જ લીધો છે અને તે કેટલી રકમ થાય છે તે સહિતની બાબતોનો ખુલાસો પૂછાશે. શહેરના અન્ય વેન્ડરોને ત્યાં પણ તપાસ કરાશે.