કેરળમાં લાઇબેરિયાનું કાર્ગો જહાજ ડૂબ્યું

કેરળના કોચી કિનારે લાઇબેરિયન કાર્ગો જહાજ MSC એલ્સા 3 ડૂબી ગયું. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને નૌકાદળ દ્વારા તમામ 24 ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા. જહાજ પર લોડ કરાયેલા 640 કન્ટેનરમાં કેલ્શિયમ કાર્બાઇડ, ડીઝલ અને ફર્નેસ ઓઇલ સહિતના કેટલાક ખતરનાક કેમિકલ્સ ભરેલા હતા.

આ જહાજ 23 મેના રોજ કેરળના વિઝિનજામ બંદરથી કોચી જવા રવાના થયું હતું. 24 મેના રોજ, બપોરે લગભગ 1:25 વાગ્યે, કોચી કિનારાથી 38 નોટિકલ માઇલના અંતરે, તે લગભગ 26 ડિગ્રી નમી ગયું હોવાનું જાણવા મળ્યું. ઈમરજન્સીની માહિતી મળતાં, કોચીમાં ICGના મરીન રેસ્ક્યુ સબ સેન્ટર (MRSC) એ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યુ હતું.

મોડી સાંજ સુધીમાં, રશિયા, યુક્રેન, જ્યોર્જિયા અને ફિલિપાઇન્સના 24 ક્રૂ સભ્યોમાંથી 21ને બચાવી લેવામાં આવ્યા હતા. બાકીના ત્રણ સીનિયર ક્રૂ સભ્યો જહાજને ડૂબતું બચાવવા માટે જહાજ પર જ રહ્યા.

જોકે, જહાજનું નમવાનું વધતું રહ્યું અને તે આજે ડૂબી ગયું. નૌકાદળના જહાજ INS સુજાતાએ બાકીના ત્રણ ક્રૂ સભ્યોને પણ બચાવી લીધા. જહાજ એક તરફ કેમ નમી ગયું તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *