ગોંડલ તાલુકામાં વન્ય પ્રાણીઓની હલચલ વધી રહી છે. સાજડીયાળી ગામમાં એક દિપડાએ હિતેશભાઈ દરબારની વાડીમાં બાંધેલી પાડીનું મારણ કર્યું હતું. આ ઘટનાથી ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ગામના સરપંચ વિજયભાઈ સોરઠીયાએ તરત જ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ગોંડલ ફોરેસ્ટ વિભાગના આર.એફ.ઓ. દિપકસિંહ જાડેજાની આગેવાનીમાં ટ્રેકર ટીમે ઘટનાસ્થળે પાંજરું ગોઠવ્યું હતું. દિપડો રાત્રે મારણની જગ્યાએ આવી પહોંચ્યો અને માત્ર એક કલાકમાં જ પાંજરામાં કેદ થઈ ગયો હતો.
ટ્રેકર ટીમના માધવભાઈ વ્યાસ, ઓસમાણભાઈ અને ફિરોઝભાઈ સહિતની ટીમની ત્વરિત કામગીરીથી દિપડો ઝડપાઈ જતાં લોકોમાં રાહતની લાગણી ફેલાઈ હતી. સરપંચ સહિત ગ્રામજનોએ વન વિભાગની કામગીરીને બિરદાવી હતી. વન વિભાગે પકડાયેલા દિપડાને સાસણ ખાતે મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે.