રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની દિવાલ પાસે દીપડો દેખાયો હોવાનો વીડિયો સામે આવ્યો છે. બુધવારે(2 માર્ચ) વહેલી સવારે એરપોર્ટના રન વે પાછળની પેરામીટર વોલ પર દીપડો જોવા મળ્યો હતો. દીપડો દિવાલ પરથી છલાંગ લગાવી વીડી તરફ ચાલ્યો ગયો હોવાની માહિતી સામે આવી છે. ત્યારે દીપડાને પકડવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ફોરેસ્ટ વિભાગ દ્વારા એરપોર્ટની અંદર તેમજ આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે.
કારમાં બેસેલા એક વ્યક્તિએ વીડિયો બનાવ્યો રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા પાસે હિરાસરમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે જેના રન વે પાછળની દિવાલ નજીક દીપડો દેખાયો હતો. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં કારમાં બેસેલા એક વ્યક્તિ દ્વારા આ વીડિયો ઉતારવામાં આવ્યો છે જેમાં સૌપ્રથમ દીપડો એરપોર્ટની દીવાલ પાસે બેઠો હોય છે અને ત્યારબાદ કાર આવતાની સાથે જ આ દીપડો ઊઠીને દિવાલ તરફ આગળ વધે છે અને ત્યારબાદ વિડી વિસ્તારમાં ચાલ્યો જાય છે. જોકે આ વીડિયો બાદ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે અને ફોરેસ્ટ વિભાગ દ્વારા એરપોર્ટની બહાર અને અંદરની બાજુએ તપાસ કરવામાં આવી છે.
ફોરેસ્ટ વિભાગ એરપોર્ટ પર ખડેપગે જોકે આ દીપડો કઈ તરફ ગયો તે બાબતનો કોઈ જ અંદાજ હજુ સુધી આવ્યો નથી. દીપડો દેખાયાની ખબર પડતાની સાથે જ હિરાસરના ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. આ સાથે જ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા મુસાફરોમાં પણ થોડો ડર જોવા મળી રહ્યો છે. દીપડાને પકડવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરા મુકવામાં આવેલા છે અને જ્યાં સુધી દીપડો નહીં પકડાય ત્યાં સુધી ફોરેસ્ટ વિભાગ ખડેપગે રહેશે. જોકે જ્યાં સુધી દિપડો પાંજરે નહીં પુરાય ત્યાં સુધી લોકોમાં પણ ડર રહેશે.