હૂટર માટે નેતાઓ કદાચ કાયદો ફેરવી નાખશે

રાજકોટ મહાપાલિકાના પદાધિકારીઓના સરકારી કારમાં હૂટર લગાવવાના અભરખાને કારણે કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ લાચાર થઇને બેઠા છે અને પદાધિકારીઓની જીદને ધ્યાનમાં લઇને હવે મ્યુનિસિપલ કમિશનર અને એક પદાધિકારીએ ગાંધીનગર જઇ વાહન વ્યવહાર કમિશનરને વચલો રસ્તો કાઢવા રજૂઆત કરવા નિર્ણય કર્યો છે ત્યારે નેતાઓની રાજહઠને કારણે શું ભવિષ્યમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના કાયદામાં ફેરફાર કરાશે? તેવો સવાલ પણ ઊઠી રહ્યો છે.

રાજકોટ મનપાના પદાધિકારીઓની સરકારી કારમાં સાયરન ગેરકાયદેસર રાખવામાં આવ્યાના ‘દિવ્ય ભાસ્કર’ના અહેવાલ બાદ સ્પષ્ટ થયું હતું અને ત્યારબાદ રાજકોટ આરટીઓ કચેરી દ્વારા પણ મહાનગરપાલિકાને પત્ર લખી કેન્દ્ર અને રાજ્ય સરકારના મોટર વ્હિકલ્સ એક્ટ મુજબ માત્ર ડિઝાસ્ટર, ફાયર શાખા અને એમ્બ્યુલન્સમાં જ સાયરન એટલે કે હૂટર લગાડી શકાય છે. બાકીના વાહનોમાં જો હૂટર લગાવવું હોય તો તેની ખાસ કિસ્સામાં પરવાનગી લેવી પડે.

આમ છતાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ફાયર સમિતિના ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક પોતાની સરકારી કારમાં હૂટર લગાવી પ્રજાજનોમાં ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરી રહ્યા છે અને તેની સામે સામાન્ય પ્રજાજનોને દરેક સ્ટેજ પર કાયદાના પાઠ ભણાવતા મહાનગરપાલિકાના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની બોલતી બંધ થઇ ગઇ છે.

આ મુદ્દે મેયર નયનાબેન પેઢડિયાએ પણ દિવ્ય ભાસ્કરના પત્રકાર સાથેની વાતચીતમાં સાયરન ગેરકાયદેસર હશે તો ઉતારી લેશું તેવી જાહેરાત કરી હતી અને આરટીઓ કચેરીના પત્રએ આ સાયરન માત્ર ઇમર્જન્સી વાહનો જ લગાવી શકે તેવી જાણ કર્યા બાદ પણ હજુ સુધી એકપણ પદાધિકારીએ સાયરન ઉતાર્યું નથી. મનપામાં સોમવારે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે હૂટર મુદ્દે બેઠક યોજાઇ હતી અને તેમાં મ્યુનિસિપલ કમિશનર અને એક પદાધિકારી વચલો રસ્તો કાઢવા માટે ગાંધીનગર જઇ વાહન વ્યવહાર કમિશનરને રજૂઆત કરશે તેવું નક્કી કરાયાનું જાણવા મળે છે. ત્યારે સવાલ એ ઊઠે છે કે, શું મનપા પદાધિકારીઓ કાયદામાં ફેરફાર કરાવી નાખશે કે પછી પ્રજાજનોને ઊંધા ચશ્મા પહેરાવવા માટે સરકારી કારને ઇમર્જન્સી વાહન તરીકે ખપાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *