રાજ્યમાં વર્ષ 2021માં સક્સેસ ઇન્ફોટેક નામની કંપની દ્વારા વિદ્યુત સહાયકની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. જે પરીક્ષામાં 10થી 15 લાખનો વહીવટ અને ગેરરીતિ આચરવામાં આવી હોવાની ચર્ચા ઉઠી હતી. બાદમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરેલી તપાસમાં રાજકોટ PGVCL હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છમાં પરીક્ષા આપતા કુલ ઉમેદવારોમાંથી 30 જેટલા ઉમેદવારો શંકાસ્પદ જણાતા આ તેઓની સામે પગલાં લેવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. જે બાદ PGVCL દ્વારા છેલ્લા 2 વર્ષમાં 30 વિદ્યુત સહાયકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જોકે આ મામલે કોર્ટ કેસ ચાલુ હોવાથી ખાતાકીય તપાસ ચાલુ છે અને ફરજ મોકૂફના કોઈ પગલાં લેવામાં આવ્યા ન હોવાનું PGVCLના અધિકારીએ જણાવ્યું હતું.
રાજકોટ PGVCLના એડિશનલ જનરલ મેનેજર HR ડિપાર્ટમેન્ટના એ.આર. કટારાએ જણાવ્યું હતું કે, 2021માં PGVCL દ્વારા વિદ્યુત સહાયકોની ભરતી મામલે 30 સેન્ટર પરથી પરીક્ષા લેવામાં આવી હતી. PGVCLના 30 પૈકી 11 કર્મચારીને 2023માં મૌકુફ કરવામાં આવ્યા હતા. 19 કર્મચારીને 2024માં ફરજ મોકુફ કરવામાં આવ્યા છે. તમામ કર્મચારીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવા બાબતે પણ આદેશ આપવામાં આવ્યો છે. જે-તે સમયે સરકારના ધ્યાન પર ગેરરીતિ થઈ હોવાનું ધ્યાન આવ્યું હતું. પરીક્ષા લેનાર આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કેટલાક પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિ આચરવામાં આવી હતી. જે તે સમયે સુરત ખાતે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.