રાજકોટ શહેરમાં અકસ્માતના બનાવોમાં દિવસે-દિવસે વધારો નોંધાઈ રહ્યો છે. જેમાં સિટીબસ દ્વારા અકસ્માત થતા હોવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. ગઈકાલે મોડીરાત્રે પણ આવી જ ઘટના બની હતી. જેમાં સાધુ વાસવાણી રોડ પરથી પસાર થતી સિટીબસ પાટીદાર ચોક નજીક અચાનક બંધ થઈ હતી. ત્યારબાદ અચાનક સિટીબસ ચાલવા લાગતા બે વાહનોને ઠોકરે લીધા હતા. જેને લઈ વાહનમાલિક સહિત લોકો વિફર્યા હતા અને બસ પર પથ્થરમારો કરી કાચ ફોડી નાખ્યા હતા. આ બનાવની જાણ થતાં યુનિવર્સીટી પોલીસ મથકનો કાફલો દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લોકોના પરિવહન માટે ઈલેક્ટ્રિક સિટી બસની સેવા આપવામાં આવી રહી છે. આ એસી બસમાં લોકો મોટી સંખ્યામાં મુસાફરી કરતા હોય છે. ત્યારે રૂટ નંબર 41ની સીટી બસ રાત્રે સાધુ વાસવાણી રોડ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન અચાનક બસમાં કોઈ ખામી સર્જાતા બસ પાટીદાર ચોકમાં ઉભી રહી ગઈ હતી અને મુસાફરો પણ નીચે ઉતરી ગયા હતા. બસમાં શું ખામી સર્જાઈ છે? તે જાણવા ડ્રાઈવર સહિતે મથામણ શરુ કરી હતી.