રાજકોટમાં જન્માષ્ટમી પર્વમાં યોજાતો લોકમેળો એ આખા સૌરાષ્ટ્રની શાન છે. વર્ષો પહેલાં શાસ્ત્રી મેદાનમાં થતો હતો, પરંતુ ત્યાં જગ્યા નાની પડતા તેનું સ્થળાંતર કરી રેસકોર્સ ખાતે કરવામાં આવ્યું, પરંતુ રેસકોર્સ મેદાનમાં પણ લોકમેળાનો ટ્રાફિક કંટ્રોલ નહિ થતા હવે તેની જગ્યા બદલાઈ તેવી સંભાવના છે. આ અંગે રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકા મામલતદાર પાસેથી સમતલ જમીનનો રિપોર્ટ માગવામાં આવ્યો છે. રાજકોટના લોકમેળામાં આખા સૌરાષ્ટ્રમાંથી લોકો આવે છે ત્યારે સાવચેતીના ભાગરૂપે આ સ્થળ બદલવા માટે વિચારણા કરવામાં આવી છે. આ માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારી આરંભી દેવાઇ છે.
કલેક્ટર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષે લોકમેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે તે રદ કરવો પડ્યો હતો. દર વર્ષે લોકમેળામાં માનવ મેદની વધતી જાય છે. રાજકોટના લોકમેળામાં ચકડોળ, વિવિધ રાઈડ્સ, તેમજ ખાણીપીણીના, કટલેરીના, રમકડાંના, ઘર વપરાશની ચીજવસ્તુના સ્ટોલ હોય છે.આ તમામ આકર્ષણનું કેન્દ્ર હોય છે. આમ ખરીદીની સાથે મનોરંજન માટે સૌરાષ્ટ્રભરના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો આવે છે. એક અંદાજ મુજબ પાંચ દિવસ દરમિયાન દર વર્ષે 12થી 15 લાખ લોકો મુલાકાત લે છે. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે અને સાવચેતીના ભાગરૂપે હાલના તબક્કે લોકમેળાનું સ્થળ બદલવા માટેની વિચારણા કરવામાં આવી છે. જેની તૈયારી અત્યારથી આરંભી દેવામાં આવી છે. રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના મામલતદાર પાસેથી રિપોર્ટ મળ્યા બાદ સરવે કરવામાં આવશે. ત્યાં કેટલા માણસો સમાઈ શકે તેનો રિપોર્ટ મેળવવામાં આવશે. ત્યારબાદ સ્થળ નક્કી કરવામાં આવશે.