રાજકોટની 20 સોસાયટીના લોકોને સુવિધાનો અભાવ!

રાજકોટ મહાનગરપાલિકાની નવી TP સ્કીમને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી છે, ત્યારે આજે કોઠારીયા વિસ્તારની 20 જેટલી અલગ અલગ સોસાયટીનાં લોકો મનપા કચેરીએ એકઠા થયા હતા અને નવી TP સ્કીમ અંગે વાંધા અરજી પણ રજૂ કરી હતી. આ TPમાં લાઇબ્રેરી તેમજ ગાર્ડન અને હોસ્પિટલ સહિતની કોઈપણ સુવિધા નહીં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમજ આ TP સ્કીમ રદ કરવાની અથવા તો નવો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવે તે માટેની માંગ કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર આજે મહાનગરપાલિકા કચેરી ખાતે કોઠારિયા વિસ્તારની કુલ 20 જેટલી સોસાયટીના લોકો એકઠા થયા હતા અને મનપા દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ TP સ્કીમને લઈ વિરોધ દર્શાવ્યો હતો. આ TP સ્કીમમાં જુદા-જુદા 27 જેટલા કોમન પ્લોટમાં માત્ર આવાસ યોજનાઓ ફાળવવામાં આવી હોવાનું આ તકે જણાવાયું હતું. તેમજ ગાર્ડન, લાયબ્રેરી, પાર્કિંગ અને હોસ્પિટલ સહિતની સુવિધાનો આ TP સ્કીમમાં અભાવ હોવાનું જણાવી TP રદ્દ કરવાની માગ કરી હતી. તેમજ નિયમ મુજબ વાંધા અરજી પણ રજૂ કરાઈ હતી.

કોઠારીયાની રામેશ્વર સોસાયટીમાં રહેતા ભરત સિરોયા નામના સ્થાનિકે આ અંગે જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા તાજેતરમાં જ TP સ્કીમનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં વાંધા સૂચનો રજૂ કરવા માટે આજે 20 જેટલી સોસાયટીનાં લોકો એકઠા થયા છીએ. આ TP સ્કીમમાં આંગણવાડી, રમતગમતનાં મેદાનો અને પાર્કિંગ સહિતની કોઈ પૂરતી સુવિધા આપવામાં આવી નથી અને જુદા-જુદા કોમન પ્લોટમાં આવી સુવિધાઓ આપવાને બદલે માત્ર 27 આવાસ યોજનાઓ ફાળવી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *