કોલકાતા બળાત્કાર-હત્યા કેસ, પ્રોટેસ્ટ માર્ચમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ

ટ્રેઇની ડોક્ટરના બળાત્કાર-હત્યાના કેસ પછી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના રાજીનામાની માગ સાથે, 27 ઑગસ્ટ, મંગળવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રસ્તાઓ પર પ્રદર્શન કર્યું.

વિદ્યાર્થીઓએ તેને ‘નબન્ના અભિયાન’ નામ આપ્યું છે. તેને રોકવા માટે સરકારે 6000 પોલીસ કર્મચારીઓને તહેનાત કર્યા હતા. હાવડા બ્રિજ સીલ કર્યો હતો. રેલી લગભગ 12:45 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી, પરંતુ નબન્ના સુધી પહોંચી શકી નહોતી. જેનું કારણ પોલીસનું બેરીકેડિંગ હતું. અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા. ડ્રોનથી સર્વેલન્સ કર્યું હતું.

હાવડાને અડીને આવેલા સંતરાગાછીમાં વિદ્યાર્થીઓએ બેરિકેડિંગ તોડી નાખ્યું. આ પછી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને વોટર કેનન છોડવામાં આવી હતી. પોલીસ કાર્યવાહીમાં અનેક દેખાવકારો ઘાયલ થયા હતા. અનેક વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.

નબન્ના એ પશ્ચિમ બંગાળ સરકારનું અસ્થાયી સચિવાલય છે, જ્યાં મુખ્યમંત્રી, મંત્રીઓ અને અધિકારીઓ બેસે છે. રાઈટર્સ બિલ્ડીંગ સ્થિત સચિવાલયનું નવીનીકરણ ચાલી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *